ચંપત રાય ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ ભેદી ફોન બાદ પોલીસ-સ્ટેશનમાંથી નીકળી ગયા

02 July, 2026 08:09 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

બે ટ્રસ્ટી અનિલ મિશ્રા અને ગોપાલ રાવે પોલીસ-સ્ટેશન પહોંચીને બાજી વાળી લીધી હોવાની ચર્ચા

ચંપત રાય

અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનની ચોરીના મામલામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગત પાંચ જૂનની આસપાસ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય દાનવ્યવસ્થામાં ચાલી રહેલી ગેરરીતિઓની ફરિયાદ કરવા માટે રામ મંદિર નજીકના પોલીસ-સ્ટેશને પહોંચ્યા હતા એવી વાત બહારી આવી છે. તેઓ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની વિગતો રજૂ કરી રહ્યા હતા અને સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરાવવાની તૈયારીમાં હતા. ત્યારે જ ટ્રસ્ટના અન્ય બે સભ્યો અનિલ મિશ્રા અને ગોપાલ રાવ ત્યાં દોડી આવ્યા હતા.

આ બન્ને સભ્યોએ ચંપત રાયને પોલીસ-ફરિયાદ આગળ ન વધારવા માટે આગ્રહ કર્યો હતો. આ દરમ્યાન ચંપત રાયને ફોન પર કોઈ અજ્ઞાત વ્યક્તિ સાથે કનેક્ટ કરવામાં આવ્યા હતા. ફોન પરની વાતચીત સાંભળ્યા બાદ તુરંત જ ચંપત રાય ફરિયાદ નોંધાવ્યા વિના જ પોલીસ-સ્ટેશનની બહાર નીકળી ગયા હતા. એ ફોન-કૉલ કોનો હતો અને એમાં શું વાત થઈ એ હજુ સુધી રહસ્ય છે. જોકે આ ઘટનાને પગલે ઘણા ગંભીર સવાલો થઈ રહ્યા છે. 

રામ મંદિરની દાનચોરીની તપાસ કરતી SITને વધારે ૧૫ દિવસનો સમય અપાયો
અયોધ્યાના રામ મંદિરની દાનચોરીના બહુચર્ચિત મામલાની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની સમયમર્યાદા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૧૫ જુલાઈ સુધી વધારી દીધી છે. કૌભાંડનાં વિવિધ પાસાંઓની વધુ ઊંડી અને ગહન તપાસ કરવા માટે SIT દ્વારા વધારાના સમયની માગણી કરાઈ હતી, જેને સ્વીકારીને મુખ્ય પ્રધાને આગામી ૧૫ જુલાઈ સુધીમાં પોતાનો આખરી રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. રામ મંદિર ટ્રસ્ટની વિનંતી પર SITની રચના કરનારા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકરણમાં પક્ષપાત વિના દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાશે.

ટ્રસ્ટીઓની આંતરિક સ્પર્ધાના કારણે પાપનો ઘડો ફૂટી ગયો?
કહેવાય છે કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની છાવણીઓ વચ્ચે કમાણી કરવા મામલે ચાલતી હતી ખેંચતાણ; એકબીજાના પુરાવા લીક કરવામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો

અયોધ્યાના રામ મંદિરમાં દાનનાં નાણાંની ઉચાપતના મામલામાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ટ્રસ્ટના ભૂતપૂર્વ અને વર્તમાન પદાધિકારીઓ સાથેની વાતચીત પરથી જાણવા મળ્યું છે કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ કોઈ તપાસ-એજન્સીના દરોડાને કારણે નહીં, પણ ટ્રસ્ટના વહીવટદારો વચ્ચેની આંતરિક લડાઈ અને ગજગ્રાહના કારણે બહાર આવ્યું છે. જો મૅનેજમેન્ટની અંદરોઅંદર વર્ચસ્વની લડાઈ ન થઈ હોત તો કદાચ આ ચોરી ક્યારેય પબ્લિક સામે બહાર આવી જ ન હોત.

ટ્રસ્ટનાં આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર રામ મંદિર ટ્રસ્ટની અંદર મુખ્ય ત્રણ પદાધિકારીઓ  જનરલ સેક્રેટરી ચંપત રાય, ટ્રસ્ટી અનિલ મિશ્રા અને આમંત્રિત સભ્ય ગોપાલ રાવના વફાદારો વચ્ચે ત્રણ અલગ-અલગ જૂથો સક્રિય હતાં. આ ત્રણેય છાવણીઓ વચ્ચે અયોધ્યામાં બેનામી પ્રૉપર્ટી ખરીદવા અને દાનની સિસ્ટમમાંથી કમાણી કરવા બાબતે છેલ્લા બે મહિનાથી ભારે વિવાદ ચાલતો હતો. ચંપત રાયના નજીકના ગણાતા ટિન્નુ યાદવ અને અનિલ મિશ્રાના સંબંધી લવકુશ અને અનુકલ્પ મિશ્રા એકબીજા પર નાણાકીય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા.
આ વિવાદ એટલો વકર્યો કે બન્ને જૂથોએ એકબીજાને ફસાવવા અને નીચા બતાવવા માટે બહારના લોકોની મદદથી ગુપ્ત રીતે પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. આ આંતરિક ખેંચતાણમાં જ કથિત પુરાવાઓ બહાર લીક થઈ ગયા અને સમગ્ર મામલો મીડિયામાં આવી ગયો. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના સૂત્રોના મતે વરિષ્ઠ પદાધિકારીઓ પોતાના નજીકના લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી શરૂઆતમાં કોઈ આંતરિક પગલાં લેવાયાં નહોતાં, પરંતુ આખરે આ આંતરિક જૂથવાદે જ આખા પાપનો ઘડો ફોડી નાખ્યો

કુંભ મેળા બાદ થઈ સૌથી મોટી ચોરી

લવકુશ અને અનુકલ્પ મિશ્રાએ સૌથી વધારે નાણાંની ઉચાપત કરી

અયોધ્યાના રામ મંદિરની દાનચોરીના બહુચર્ચિત કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ-તેમ નવા અને ચોંકાવનારા વળાંકો આવી રહ્યા છે. ટોચના સોર્સ અનુસાર આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધારો લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રા છે. તપાસમાં બહાર આવ્યું છે કે મંદિરમાંથી સૌથી વધુ રકમની નાણાકીય ગેરરીતિ આ જોડી દ્વારા જ આચરવામાં આવી છે. આ ઉપરાંત કેસમાં ધરપકડ કરાયેલા તમામ ૮ આરોપીઓ દાનના નાણાંની ઉચાપતમાં સીધી કે પ્રત્યક્ષ રીતે સામેલ હતા.

આ કેસમાં એક નવો આશ્ચર્યજનક ખુલાસો પણ સામે આવ્યો છે. અગાઉ એવા અહેવાલો હતા કે મહાકુંભ દરમિયાન મંદિરમાં ભારે ભીડનો ફાયદો ઉઠાવીને સૌથી મોટી ચોરી કરાઈ હતી. જોકે નવા દાવા અનુસાર મહાકુંભ દરમ્યાન ખૂબ જ ઓછી માત્રામાં નાણાં સેરવવામાં આવ્યા હતા. ખરો ખેલ તો મહાકુંભ પૂરો થયા બાદ શરૂ થયો હતો. મહાકુંભ બાદના સમયગાળામાં અચાનક જ ઉચાપતનું સ્તર અત્યંત વધી ગયું હતું અને મોટા પાયે નાણાં ગાયબ કરવામાં આવ્યા હતાં.

ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રામ મંદિરમાં નોકરી અપાવવા કરોડોનું કમિશન ઉઘરાવ્યું હોવાનું આરોપ

અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના મામલામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ હવે રામ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા તરફ કેન્દ્રિત થઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં અનિલ મિશ્રાનું નામ વારંવાર સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ તેમણે જનરલ સેક્રેટરી ચંપત રાય સાથે ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું હતું. SITની તપાસમાં ખુલાસો થયો છે કે રામ મંદિરમાં તૈનાત આશરે ૧૨૫ જેટલા કર્મચારીઓને અનિલ મિશ્રાની ભલામણથી નોકરી મળી હતી, જેમાં તેમના કેટલાક નજીકના સંબંધીઓ પણ સામેલ છે. એજન્સી હવે નોકરી અપાવવાના નામે કમિશન લેવાના આક્ષેપો વિશે અને ટ્રસ્ટી બન્યા બાદ તેમની સંપત્તિમાં થયેલા અસાધારણ વધારાની ઊંડી તપાસ કરી રહી છે.

national news india ayodhya ram mandir Crime News