રામ મંદિરને મળતા રોકડના દાનમાંથી ઉચાપત થઈ જ છે

14 June, 2026 09:38 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

ગણતરી વખતે પૈસા સેરવી લેતા એક યુવકની અટકાયત, તેના ઘરે ગાયના પોદળામાંથી ૧૦ લાખ રૂપિયા રોકડા મળ્યા ઃ ઉત્તર પ્રદેશ સરકારે રચના કરી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની

અયોધ્યા રામ મંદિર

અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોના ચડાવામાં થયેલી નાણાકીય ગેરરીતિના મામલે ઉત્તર પ્રદેશની સરકારે કાર્યવાહી શરૂ કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વિનંતી સ્વીકારીને સરકારે આ હાઈ-પ્રોફાઇલ કેસની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી દીધી છે. બીજી તરફ સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ (SOG)એ રુદૌલીના મીનાપુર ગામના લવ કુશ મિશ્ર નામના યુવકને કસ્ટડીમાં લીધો છે. આ યુવક ચડાવાની ગણતરી કરનારી ટીમનો હિસ્સો હતો. ચોંકાવનારી વાત એ છે કે તપાસ દરમ્યાન તેના ઘરે ગાયના પોદળામાં છુપાવી રાખેલા ૧૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. દાનપાત્રનાં નાણાંની ગણતરીમાં સામેલ અન્ય કર્મચારીઓ પણ હાલ શંકાના દાયરામાં છે.

આ મામલે લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંતના અધ્યક્ષપદે બનેલી ૩ સભ્યોની SITને ૭ દિવસમાં પ્રારંભિક અને ૧૫ દિવસમાં અંતિમ અહેવાલ સોંપવાનો આદેશ અપાયો છે. તપાસ- એજન્સીઓ હાલ CCTV કૅમેરાનાં ફુટેજ, રિકવરી અને ટેક્નિકલ પુરાવાઓ તપાસી રહી છે.

આ વિવાદ વચ્ચે રામ મંદિર કન્સ્ટ્રક્શન કમિટીના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રા ગઈ કાલે અયોધ્યા પહોંચ્યા હતા, પરંતુ તેમણે આ ચોરી-પ્રકરણ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરીને જણાવ્યું કે તેમની જવાબદારી માત્ર નિર્માણકાર્યોની દેખરેખ પૂરતી જ સીમિત છે. કૅબિનેટ પ્રધાન સૂર્ય પ્રતાપ શાહીએ સ્પષ્ટ કર્યું હતું કે ભક્તોની આસ્થા સાથે કોઈ ખિલવાડ થવા દેવાશે નહીં અને ટ્રસ્ટ આ વિશે જાગૃત છે.

national news india ram mandir ayodhya Crime News uttar pradesh