✕

પેટ્રોલ પછી હવે ડીઝલનો વારો

17 November, 2026 07:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પમ્પ પર હવે પાંચ ટકા વનસ્પતિ તેલ ધરાવતા B5 બાયોડીઝલનું વેચાણ શરૂ

પ્રતીકાત્મક તસવીર

E20 ફ્યુઅલ પછી હવે દિલ્હી-NCR, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક પેટ્રોલ પમ્પ પર B5 ડીઝલ (બાયોડીઝલ)નું વેચાણ શરૂ કરી દેવાયું છે. જેમ પેટ્રોલમાં ૨૦ ટકા એથનૉલ ભેળવીને E20 ફ્યુઅલ બનાવવામાં આવે છે એ જ રીતે ૯૫ ટકા નૉર્મલ ડીઝલમાં પાંચ ટકા વનસ્પતિ તેલ (રતનજોત, કરંજ વગેરે) ઉમેરીને આ B5 બાયોડીઝલ તૈયાર કરવામાં આવ્યું છે.
ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ મુજબ બાયોડીઝલ બનાવવા માટે ‘ટ્રાન્સઍસ્ટરિફિકેશન’ નામની રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે જેમાં વનસ્પતિ તેલને આલ્કોહોલ અને કૅટલિસ્ટ સાથે ભેળવાય છે. આ પ્રક્રિયાથી બાયોડીઝલ અને ગ્લિસરિન છૂટાં પડે છે. નૉર્મલ ડીઝલનો ભાવ અંદાજે ૯૫ રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે બાયોડીઝલનો ભાવ ૮૮ રૂપિયા આસપાસ છે. જોકે આનો સીધો ફાયદો અત્યારે ગ્રાહકોને નહીં મળે, કારણ કે ઑઇલ કંપનીઓ ડીઝલ પર થતા નુકસાનની ભરપાઈ કરવા માટે ડીઝલમાં બાયોડીઝલનું બ્લેન્ડિંગ કરી રહી છે.
ઑટોમોટિવ ડીઝલના નિયમો મુજબ પાંચ ટકા સુધીના બ્લેન્ડિંગ માટે ઑઇલ કંપનીઓએ પમ્પ પર અલગથી ‘B5’ નું લેબલ લગાવવું ફરજિયાત નથી. નિષ્ણાતોના મતે ડીઝલ એન્જિનમાં ૭ ટકા સુધી બાયોડીઝલનું મિશ્રણ વાહન માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેથી ગ્રાહકોએ આ નવા ફ્યુઅલથી ચિંતા કરવાની જરૂર નથી.

new delhi crude oil oil prices indian oil corporation petrol diesel price petroleum national news indian government