19 January, 2026 09:30 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડ સરકારે ચારધામની યાત્રા દરમ્યાન મંદિરોની પવિત્રતા અને ગરિમા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ અને દૂરંદેશીભર્યું પગલું ભર્યું છે. ધાર્મિક સ્થળોએ રીલ્સ અને વ્લૉગ બનાવવાને લઈને વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના પરિસરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ સાથે સરકારનો ઉદ્દેશ ભક્તોને કોઈ પણ અવરોધ વિના અને સંપૂર્ણ ભક્તિ સાથે મંદિરની મુલાકાત લેવાની સુવિધા આપવાનો છે. સરકારનું માનવું છે કે મોબાઇલ વિડિયો રેકૉર્ડિંગ દ્વારા ઘણી વાર મંદિરોની પવિત્રતા સાથે ચેડાં કરવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ગઢવાલના કમિશનરે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી છે.
બદરીનાથમાં સિંહદ્વારની બહાર મોબાઇલ ફોન પર સખત પ્રતિબંધ રહેશે. એવી જ રીતે કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના મુખ્ય પરિસરમાં ભક્તોને મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉલ્લંઘન કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. મંદિરોમાં પ્રવેશતાં પહેલાં મોબાઇલ ફોન જમા કરાવવા અને સેફકીપિંગ માટે કાઉન્ટર સ્થાપવામાં આવશે. આનાથી યાત્રાળુઓ કોઈ પણ જાતની ચિંતા વિના દર્શનની પ્રક્રિયા પૂરી કરી શકશે.