કેજરીવાલને અપાયું ઇન્સ્યુલિન, પાર્ટીએ કહ્યું બજરંગબલી કી જય

24 April, 2024 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ આદમી પાર્ટીએ ઇન્સ્યુલિન મળવાની ઘટનાને હનુમાનજીના આશીર્વાદ ગણાવ્યા હતા

અરવિંદ કેજરીવાલ

ટાઇપ-ટુ ડાયાબિટીઝના દરદી અરવિંદ કેજરીવાલને ધરપકડના ૩૨ દિવસ બાદ સોમવારે રાતે ઇન્સ્યુલિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. કેજરીવાલનું  બ્લડ-શુગર ૩૨૦ લેવલ સુધી પહોંચી જતાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. જોકે આમ આદમી પાર્ટીએ ઇન્સ્યુલિન મળવાની ઘટનાને હનુમાનજીના આશીર્વાદ ગણાવ્યા હતા અને પાર્ટીના ઍક્સ હૅન્ડલ પર લખવામાં આવ્યું હતું ‘બજરંગબલી કી જય. આખરે BJP અને એના જેલ-પ્રશાસનને સદબુદ્ધિ આવી અને તેમણે કેજરીવાલને ઇન્સ્યુલિનનો ડોઝ આપ્યો’. 

કેજરીવાલે ઇન્સ્યુલિન આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે EDએ આ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મેડિકલ ધોરણે જામીન મળે એ માટે કેજરીવાલ હાઈ શુગર હોય એવી ફૂડ-આઇટમો ખાઈ રહ્યા છે જેથી બ્લડમાં-શુગરની માત્રા વધી જાય. સોમવારે દિલ્હી કોર્ટે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના નિષ્ણાતોની પૅનલનો સંપર્ક કર્યો હતો. જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ આ કન્સલ્ટેશનમાં ઇન્સ્યુલિનનો મુદ્દો ચર્ચાયો જ નહોતો.

અરવિંદ કેજરીવાલ અને કે. કવિતાને રહેવું પડશે જેલમાં : કસ્ટડી ૧૪ દિવસ વધી
દિલ્હી શરાબ-કૌભાંડમાં પકડાયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેલંગણનાં વિધાનસભ્ય કે. કવિતાની જુડિશ્યલ કસ્ટડી ૧૪ દિવસ માટે વધારી દેવામાં આવી છે અને હવે તેમને ૭ મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બેઉ નેતાઓને હાલમાં તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દિલ્હી શરાબ-કૌભાંડનો આ કેસ ચાલી રહ્યો છે. કોર્ટે આ કેસના બીજા આરોપી ચનપ્રીત સિંહની કસ્ટડી પણ ૭ મે સુધી વધારી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા મની લૉન્ડરિંગ કેસમાં કરાયેલી ધરપકડને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકારી છે અને આ અરજીની સુનાવણી ૨૯ એપ્રિલે થવાની છે. તેલંગણના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની દીકરી કે. કવિતાની જામીન-અરજી વિશે બીજી મેના રોજ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ ચુકાદો આપવાની છે.

national news arvind kejriwal aam aadmi party delhi high court supreme court