09 November, 2025 02:12 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
કાચનો ‘બજરંગ સેતુ’
હૃષીકેશમાં ગંગા નદી પર આવેલા વિખ્યાત લક્ષ્મણ ઝૂલા પુલના સ્થાને હવે કાચનો ‘બજરંગ સેતુ’ તૈયાર કરવામાં આવ્યો છે જે આધુનિકતા અને પરંપરાનો અદ્ભુત સંગમ છે. ઐતિહાસિક લક્ષ્મણ ઝૂલાનું એ સ્થાન લઈ રહ્યો છે અને આજે ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાની પચીસમી અૅનિવર્સરી પર એનું લોકાર્પણ કરવામાં આવશે. ગંગા કિનારે વસેલા યોગ, તપસ્યા અને શ્રદ્ધાના આ શહેરમાં આ કાચનો પુલ માત્ર એન્જિનિયરિંગનું એક ભવ્ય ઉદાહરણ નથી, એ શહેરની ધાર્મિક અને પર્યટન ઇમેજને નવી ઊંચાઈઓ પર પણ પહોંચાડશે.
નરેન્દ્ર મોદી આજે દેહરાદૂનમાં
ઉત્તરાખંડ આજે એની સ્થાપનાનાં ૨૫ વર્ષ ઊજવી રહ્યું છે એ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આ રાજ્યના પાટનગર દેહરાદૂનમાં એની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. તેઓ આ પ્રસંગે ૮૧૪૦ કરોડ રૂપિયાની કિંમતનાં વિકાસકાર્યોનાં ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે.
બજરંગ સેતુની મુખ્ય વિશેષતાઓ શું છે?
કાચનો પુલ : આ કાચનો પુલ ગંગા નદી પર આવેલો છે અને ૧૦૦ વર્ષ જૂના લક્ષ્મણ ઝૂલાનું સ્થાન લેશે. આ ઉત્તરાખંડનો પહેલો કાચનો પુલ છે. આ પુલ પર બન્ને છેડે રાહદારીઓ માટે દોઢ-દોઢ મીટરનો વૉકવે છે અને વચ્ચે પાંચ મીટરનો ભાગ ટૂ-વ્હીલર માટે છે.
કિંમત : એ આશરે ૬૮ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. એ ૧૩૨ મીટર લાંબો અને ૮ મીટર પહોળો હશે જે યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે સલામત, આકર્ષક અને અનુકૂળ માર્ગ પૂરો પાડશે.
આકૃતિઓ અને દૈવી મૂર્તિઓ : પુલના બન્ને છેડે વિશાળ આકૃતિઓ અને દૈવી મૂર્તિઓ બનાવવામાં આવશે. એક સ્તંભમાં કેદારનાથની આકૃતિ અને બીજામાં બદરીનાથની આકૃતિ છે. આ પુલ કેદારનાથ મંદિરના સ્થાપત્યથી પ્રેરિત છે, જે હૃષીકેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.
વૉકવે પર સેલ્ફી પૉઇન્ટ્સ : વૉકવે પર સેલ્ફી પૉઇન્ટ આધુનિક રાહદારી સુવિધાઓમાં એક નવું પરિમાણ ઉમેરશે. ૧૩૨ મીટર લાંબા પુલ પરથી ગંગા નદીનો નજારો અદભુત રહેશે. આ સેલ્ફી પૉઇન્ટ પરથી મુલાકાતીઓ નદી અને ટેકરીઓનાં મનમોહક દૃશ્યો સાથે ફોટો પાડી શકશે.
બજારોને વેગ મળશે : બજરંગ સેતુ હૃષીકેશમાં સ્થાનિક બજારોને વેગ આપશે, કારણ કે નવો પુલ પ્રવાસીઓને આકર્ષશે અને બજારમાં વધુ લોકોને લાવશે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી સ્થાનિક બજારોને આર્થિક રીતે ફાયદો થશે.