રણથંભોર ટાઇગર રિઝર્વમાં સફારી વખતે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ : ગાઇડ પાસે જમા કરાવવો પડશે

01 February, 2026 10:02 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

હવે વનવિભાગ પોતાની મરજી મુજબ કામ કરી શકશે. પવિત્ર ગણેશ મંદિર તરફ જતો રસ્તો પણ રણથંભોરના મધ્યમાંથી પસાર થાય છે.

રણથંભોર ટાઇગર રિઝર્વ

રાજસ્થાનના રણથંભોર ટાઇગર રિઝર્વમાં હવે સફારી વખતે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સફારીમાં જતા ટૂરિસ્ટોએ તેમના ફોન સફારી પહેલાં ગાઇડ પાસે એક બૅગમાં જમા કરાવવાના રહેશે. આ સંદર્ભમાં વન અને ટૂરિઝમ વિભાગના અધિકારીઓની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સફારી પહેલાં ફોન જમા કરવાની જવાબદારી હવે ગાઇડ્સની રહેશે. વન્યજીવન સંરક્ષણ, સુપ્રીમ કોર્ટ અને નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA)ના નિર્દેશોના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વનવિભાગ આ સંદર્ભમાં પ્રતિબંધ લાગુ કરી દેશે.

જોકે કેટલાક લોકોનું માનવું છે કે હવે જંગલ-અધિકારીઓની મનમાની બહાર આવી શકશે નહીં. ટૂરિસ્ટો પાસે મોબાઇલ હોવાથી તેઓ શૂટિંગ કરતા હતા અને એમાં કેટલીક વાર અધિકારીઓની મૉનિટરિંગની પોલ ખૂલી જતી હતી. હવે રેકૉર્ડિંગ કરી શકાશે નહીં તેથી આવું બહાર આવશે નહીં.

હવે વનવિભાગ પોતાની મરજી મુજબ કામ કરી શકશે. પવિત્ર ગણેશ મંદિર તરફ જતો રસ્તો પણ રણથંભોરના મધ્યમાંથી પસાર થાય છે. ત્યાંના રસ્તા પર વાઘની અવરજવર સતત વધી રહી છે. થોડા મહિના પહેલાં એક વાઘે ૮ વર્ષના બાળકને પોતાનો શિકાર બનાવ્યો હતો. આનો વિડિયો મોબાઇલ ફોન દ્વારા વાઇરલ થયો હતો. મોબાઇલ ફોન પર પ્રતિબંધને કારણે આવી ઘણી પ્રવૃત્તિઓ હવે ખુલ્લી નહીં પડે.

national news india rajasthan wildlife indian government