બનારસમાં ભરાયું મહામૂર્ખાઓનું સંમેલન, ગર્દભના હોંચી-હોંચીથી થઈ શરૂઆત

04 April, 2025 06:59 AM IST  |  Banaras | Gujarati Mid-day Correspondent

આ મેળાની શરૂઆત પણ અનોખા અવાજથી થાય છે. ગર્દભ હોંચી-હોંચી કરતો હોય એવા અવાજ સાથે મેળાનો શુભારંભ થાય છે.

મહામૂર્ખાઓનું સંમેલન

ધર્મનગરી બનારસ અને અહીંની પરંપરા અનોખી છે. અહીં અનોખાં આયોજનો થતાં હોય છે. પહેલી એપ્રિલ જગતઆખામાં વિશ્વ મૂર્ખ દિવસના રૂપમાં ઊજવાય છે ત્યારે બનારસમાં આ દિવસની અનોખી ઉજવણી થાય છે. અહીં મોટા-મોટા બુદ્ધિજીવીઓ મૂરખ બનીને એ મેળાવડામાં સામેલ થાય છે અને મૂરખો જેવી હરકતો કરે છે. આ મેળામાં દુલ્હો દુલ્હનનો વેશ ધારણ કરે છે અને દુલ્હન દુલ્હાનો. અગડમ-બગડમ મંત્રોચ્ચાર કરીને તેમની લગ્નવિધિ કરાવવામાં આવે છે અને આ જ મેળામાં લગ્ન તૂટી પણ જાય છે. જોકે આ મેળાની શરૂઆત પણ અનોખા અવાજથી થાય છે. ગર્દભ હોંચી-હોંચી કરતો હોય એવા અવાજ સાથે મેળાનો શુભારંભ થાય છે. આ બધું વારાણસીના ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઘાટ પર થાય છે. આ વર્ષે પણ મહામૂર્ખ સંમેલન ભરાયેલું જે લગાતાર ૫૭મું વર્ષ હતું.

આ કાર્યક્રમમાં કાશીની આગવી નૃત્ય-પરંપરાઓની પ્રસ્તુતિ ઉપરાંત જાગૃતિ-કાર્યક્રમો પણ થયા. સાઇબર ઠગોથી બચવા માટે શું કરવું એ વિશેની માહિતી પોલીસે આપી હતી જેથી લોકો ફરીથી મૂરખ ન બને. આ ઉપરાંત હાસ્યકવિઓ અને કલાકારોને થીમ અનુસાર ભેટમાં હાથકડી, દુપટ્ટા કે સ્મૃતિચિહનો આપવામાં આવ્યાં હતાં. 

national news india uttarakhand uttar pradesh culture news