મિનિમમ બૅલૅન્સ ન રાખવા બદલ બૅન્કોએ ગ્રાહકો પાસેથી ૭૦૮૬ કરોડ રૂપિયાથી વધુ દંડ વસૂલ કર્યો

29 July, 2026 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારીની સરખામણીએ ખાનગી બૅન્કોએ ગ્રાહકો પાસેથી સૌથી વધારે દંડ ઉઘરાવ્યો, HDFC બૅન્ક સૌથી મોખરે

પ્રતીકાત્મક તસવીર

ખાતામાં મિનિમમ ઍવરેજ બૅલૅન્સ (MAB) ન જાળવવા બદલ બૅન્કોએ ગ્રાહકો પાસેથી જંગી દંડ વસૂલ કર્યો છે. રાજ્યસભામાં નાણારાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ આપેલા સત્તાવાર આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ દરમ્યાન બૅન્કોએ ગ્રાહકો પાસેથી પેનલ્ટી તરીકે ૭૦૮૬.૬૩ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. છેલ્લાં ૪ નાણાકીય વર્ષોમાં બૅન્કોએ આ રીતે કુલ ૨૬,૧૭૦.૩૭ કરોડ રૂપિયાની અધધધ રકમ એકઠી કરી છે.

આંકડા દર્શાવે છે કે દંડ વસૂલ કરવામાં સરકારી બૅન્કોની સરખામણીએ ખાનગી બૅન્કો ઘણી આગળ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં ખાનગી બૅન્કોએ કુલ ૪૯૪૮.૭૧ કરોડ રૂપિયા દંડપેટે વસૂલ્યા હતા, જેમાં ૧૭૯૮.૧૪ કરોડ રૂપિયા સાથે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (HDFC) બૅન્ક પ્રથમ અને ૧૦૮૧.૩૩ કરોડ રૂપિયા સાથે ઍક્સિસ બૅન્ક બીજા ક્રમે રહી હતી.
બીજી તરફ દેશની તમામ ૧૨ સરકારી બૅન્કોએ મળીને કુલ ૨૧૩૭.૯૨ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. એમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ ૪૭૭.૨૭ કરોડ રૂપિયા અને બૅન્ક ઑફ બરોડાએ ૩૯૪.૧ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના નિયમ મુજબ દંડ કાપતાં પહેલાં ગ્રાહકને શૉર્ટ મેસેજિંગ સર્વિસ (SMS) કે ઈ-મેઇલ દ્વારા જાણ કરવી ફરજિયાત છે. દેશની બારમાંથી ૧૦ સરકારી બૅન્કોએ બચત ખાતા પરનો આ દંડ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે.

national news india reserve bank of india state bank of india indian government