24 September, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ મહિને ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળને પગલે બૅન્કિંગ સર્વિસમાં થનારા વિક્ષેપને ઘટાડવાના સરકારના નિર્ણયને કારણે તમામ જાહેર ક્ષેત્રની બૅન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો રવિવારે ૨૭ સપ્ટેમ્બરે ખુલ્લી રહેશે અને સામાન્ય રીતે કાર્યરત રહેશે. શનિવાર અને રવિવારને સામેલ કરવામાં આવે તો બૅન્કોની હડતાળ પાંચ દિવસની થવા જતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં નાણામંત્રાલયે ગઈ કાલે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા પ્રસ્તાવિત હડતાળ ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરની વીકએન્ડની રજાઓ પછી આવી રહી છે; જો આ રવિવારે બૅન્કો બંધ રહી હોત તો ગ્રાહકોને લાંબા સમય સુધી સર્વિસમાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો હોત. જનતાની બૅન્કિંગને લગતી વાસ્તવિક જરૂરિયાતો લાંબા સમય સુધી પ્રભાવિત ન થાય એ સુનિશ્ચિત કરવા માટે તમામ જાહેર ક્ષેત્રની બૅન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો રવિવારે ૨૭ સપ્ટેમ્બરે સામાન્ય રીતે કાર્યરત રહેશે.
આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સોમવારે સૂચિત હડતાળ શરૂ થાય એ પહેલાં ગ્રાહકોને આવશ્યક બૅન્કિંગ સર્વિસ મળી રહે. મંત્રાલયે કહ્યું કે સરકાર અને બૅન્ક-મૅનેજમેન્ટોએ પણ યુનિયનોને હડતાળ મુલતવી રાખવાની અપીલ કરી છે.
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ તેમ જ પબ્લિક સેક્ટર બૅન્કોનાં અન્ય અસોસિએશનોએ ફાઇવ-ડે બૅન્કિંગના અમલની અને પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ પાછી ખેંચવાની માગણી માટે આ હડતાળનું એલાન આપ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ સરકારે કર્મચારીઓની એક મુખ્ય માગણી સ્વીકારીને હાલપૂરતી PLIને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.