હવે તમામ લીગલ કૉક્રૉચને ભેગા કરવાનો સંકેત આપીને અભિજિત દીપકેએ ડરાવ્યા

14 August, 2026 10:38 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ચીફ જસ્ટિસનો વિરોધ કરનારા હૈદરાબાદની યુનિવર્સિટીના લૉ સ્ટુડન્ટ્સને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ ગભરાવ્યા, પણ કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપકની એક ટ્વીટથી યુ-ટર્ન લઈ લીધો

અભિજિત દીપકે

હૈદરાબાદની નૅશનલ ઍકૅડેમી ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ (NALSAR) યુનિવસિર્ટી ઑફ લૉની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાન્તને મુખ્ય અતિથિ બનાવવાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓને આ વિરોધ મોંઘો પડી શકે છે એમ જણાવીને ગઈ કાલે બપોરે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)એ CJI વિરુદ્ધ અભિયાન ચલાવનારા ૨૦૨૬ના બૅચના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ રોકી દેવાની જાહેરાત કરી હતી. BCIએ ચેતવણી આપી હતી કે જે વિદ્યાર્થીઓ દીક્ષાંત સમારોહમાં CJIના વિરોધના અભિયાનમાં સંકળાયેલા મળશે તેમને રાજ્યની બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ નહીં આપવામાં આવે. BCIના ચૅરમૅન મનનકુમાર મિશ્રાની સહીવાળો આ નિર્દેશ NALSARના વાઇસ-ચાન્સેલર પ્રોફેસર શ્રીકૃષ્ણ દેવા રાવ અને અન્ય તમામ રાજ્ય બાર કાઉન્સિલોને આપવામાં આવ્યો હતો જેમાં  સ્પષ્ટ લખ્યું હતું કે ‘આગામી આદેશ સુધી, NALSAR યુનિવર્સિટી ઑફ લૉના ૨૦૨૬ના બૅચમાં લૉની ડિગ્રી હાંસલ કરનારા કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા ઍડ્વોકેટ તરીકે એનરોલ ન કરવામાં આવે.’

જોકે BCIના ચૅરપર્સન મનન કુમાર મિશ્રાના આ સર્ક્યુલરને ટૅગ કરીને CJPના ફાઉન્ડર અભિજિત દીપકેએ સાંજે ૭.૩૪ વાગ્યે એક ટ્વીટ કરી હતી. જેમાં લખ્યું હતું, ‘જો તમામ લીગલ કૉક્રૉચ સાથે આવી જાય તો શું થાય?’

બે મહિના પહેલાં જંતર મંતરમાં વિદ્યાર્થીઓનો પ્રોટેસ્ટ શરૂ થયો એ પહેલાં પણ અભિજિતે આવી જ ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું, ‘જો બધા કૉક્રૉચ સાથે આવી જાય તો શું?’
બસ, જૂની ટ્વીટમાં માત્ર લીગલ શબ્દ વધારાનો હતો, પણ એની અસર ધાર્યા કરતાં જોરદાર થઈ. 

ગણતરીના જ કલાકોમાં BCIએ નવો સર્ક્યુલર બહાર પાડીને ફેરવી તોળ્યું, ‘કાઉન્સિલે આજે BCIના ચૅરમેન દ્વારા NALSAR યુનિવર્સિટી ઑફ લૉના વાઇસ-ચાન્સેલર અને તમામ સ્ટેટ બાર કાઉન્સિલના સેક્રેટરી માટે જાહેર કરેલા પત્ર પર ચર્ચા-વિચારણા કરી છે. પૂરી ચર્ચા પછી બધા એકમત છે કે NALSARના મોટા ભાગના સ્ટુડન્ટ્સ નિર્દોષ છે અને એ લોકો આ બેઇજ્જતીવાળા કામમાં ભાગ લેવા નહોતા માગતા. એટલે એનરોલમેન્ટ પર પ્રતિબંધ મૂકવાના પહેલાંના ઑર્ડરમાં બદલાવ કરવામાં આવે છે. તમામ સ્ટુડન્ટ્સ પોતાની પસંદની સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલ થવા હકદાર હશે.’

કયા લોકો આ અભિયાન શરૂ કરવામાં સક્રિય છે એનો રિપોર્ટ BCIએ યુનિવર્સિટી પાસેથી માગ્યો છે. BCIએ કહ્યું હતું, કેટલાક અૅકૅડેમિક સ્ટાફ વચ્ચે જૂથબાજી અને ગંદી રાજનીતિ રમાઈ રહી છે. આ સ્ટાફ વિદ્યાર્થીઓને ગુમરાહ કરે છે, ભડકાવે છે અને ખોટા રસ્તે લઈ જવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. શિક્ષકોએ ભણાવવામાં મન પરોવવું જોઈએ, કૅમ્પસમાં રાજનીતિ કરવામાં નહીં. આ ગંભીર પરિસ્થિતિમાં BCI ચૂપ રહીને તમાશો ન જોઈ શકે.’

વિદ્યાર્થીઓના વિરોધ છતાં CJIએ નિમંત્રણ સ્વીકાર્યું
બેરોજગાર યુવાનોને કૉક્રૉચ કહેનારા CJI સૂર્યકાંતના હાથેથી લૉની ડિગ્રી નહીં લઈએ એવો વિરોધ NALSAR યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કર્યો હતો. એમ છતાં લૉના સ્ટુડન્ટ્સને દર વર્ષે CJIના હાથે જ ગ્રૅજ્યુએશન સર્ટિફિકેટ આપવાની પરંપરા રહી છે. યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરની ઑફિસમાંથી જાહેર થયું હતું કે દીક્ષાંત સમારોહ માટે મુખ્ય ન્યાયાધીશને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું અને તેમની ઑફિસે એ નિમંત્રણ સ્વીકારી લીધું છે. જોકે આ સમારોહ ક્યારે થશે એની તારીખ હજી નક્કી નથી થઈ.

national news india hyderabad cockroach janata party political news indian government abhijit dipake