બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીની બધી અરજીઓ ફગાવી દીધી

24 October, 2025 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની આર્થર રોડ જેલમાં કઈ રીતે રાખવામાં આવશે એ ભારતે દેખાડ્યું એનાથી ત્યાંની અદાલત સંતુષ્ટ

આર્થર રોડ જેલમાં મેહુલ ચોકસીને જ્યાં રાખવામાં આવશે એ બૅરૅક-નંબર ૧૨ની તસવીરો.

૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નૅશનલ બૅન્ક ફ્રૉડ-કેસના આરોપી અને હીરાના વેપારી મેહુલ ચોકસી જે અત્યારે બેલ્જિયમની જેલમાં છે તેણે પોતાને ભારતને સોંપવામાં ​ન આવે એ માટે કરેલી બધી અરજીઓ બેલ્જિયમની કોર્ટે ફગાવી દીધી છે એટલે મેહુલ ચોકસીને ભારત લાવવાની પ્રોસેસમાં મોટી પ્રગતિ થઈ છે. ટૂંક સમયમાં તેને ભારત લાવવાની શક્યતાઓ જોતાં આર્થર રોડ જેલમાં તેને રાખવાનો સ્પેશ્યલ સેલ પણ તૈયાર થઈ ગયો છે.

મેહુલ ચોકસીએ બેલ્જિયમની કોર્ટમાં દલીલ કરી હતી કે મને ભારતમાં જીવનું જોખમ છે, મને ત્યાં ટૉર્ચર કરવામાં આવશે અને મારા પર રાજકીય ગુસ્સો રાખીને કામ ચલાવવામાં આવશે. જોકે આ બાબતે ભારત સરકારે બેલ્જિયમની કોર્ટમાં મેહુલ ચોકસી સામે કેસ ચલાવવા બાબતે અને તેને ભારતની જેલમાં કઈ રીતે રાખવામાં આવશે એ વિશેની માહિતી આપતાં બેલ્જિયમની કોર્ટે એ બાબતે સંતોષ વ્યક્ત કરીને મેહુલ ચોકસીની બધી અરજીઓ ફગાવી દીધી છે. 

 અમાનવીય ટ્રીટમેન્ટ નહીં અપાય

ભારત સરકારે એની રજૂઆતમાં કહ્યું હતું કે ‘મુંબઈની આર્થર રોડ જેલની બૅરૅક-નંબર ૧૨ મૂળ બે સેલને જોડીને તૈયાર કરવામાં આવી છે અને એ ૪૬ સ્ક્વેર મીટરની છે. એમાં અંદર જ ટૉઇલેટની ફૅસિલિટી પણ પ્રોવાઇડ કરવામાં આવી છે. વળી મેહુલ ચોકસીને જેલ-કસ્ટડીમાં રાખવામાં આવશે, તેને પોલીસ-કસ્ટડી નહીં અપાય. તેને ફક્ત મેડિકલ માટે અને કોર્ટમાં હાજરી આપવાની હશે ત્યારે જ સેલની બહાર કાઢવામાં આવશે.’ એટલે બેલ્જિયમની કોર્ટે કહ્યું છે કે ભારત સરકારે જે ડિટેન્શનની કન્ડિશન અને અરેન્જમેન્ટની વિગતો આપી છે એ જોતાં મેહુલ ચોકસી પર અત્યાચાર ગુજારાય કે ટૉર્ચર કરાય કે અમાનવીય ટ્રીટમેન્ટ અપાય એવું લાગતું નથી.
 

national news india belgium mehul choksi Crime News mumbai crime news arthur road jail