✕

Bengaluruમાં કૅબ ડ્રાઇવરે પત્નીનું કાસળ કાઢ્યા પછી સાળા, સાસુ સહિત સાત લોકોને ઉતાર્યા મોતને ઘાટ

06 November, 2026 12:35 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Bengaluruમાં એક કૅબ-ડ્રાઇવરે પોતાની પત્ની અને પોતાનાં સાસરિયાંઓ સહિત સાત લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. સામાન્ય ઘરકંકાસે હત્યાકાંડમાં પરિણમતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકની રાજધાની બેંગલુરુ (Bengaluru)ના રાજાજીનગરમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે.  અહીં એક કૅબ-ડ્રાઇવરે પોતાની પત્ની અને તેના સાસરિયાંઓ સહિત સાત લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. સામાન્ય ઘરકંકાસે હત્યાકાંડમાં પરિણમતાં ચકચાર મચી જવા પામી છે. અહેવાલો મળી રહ્યા છે કે હત્યાકાંડના મુખ્ય આરોપી ઈન્દુશેખરની ધરપકડ કરવામાં આવી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
 
Bengaluru: કૅબ ડ્રાઇવરે પોતાની પત્ની અને સાસરિયાંઓને રોજના ઘરકંકાસથી કંટાળી જઈને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી ઈન્દુશેખર તેની પત્ની સુનિતાની વર્તણૂક અને કંકાસથી કંટાળી ગયો હતો. ઈન્દુશેખર તેના સાસરિયાંઓને સુનિતાની ફરિયાદ કરતો તો તેઓ પણ ઈન્દુની વાત પર ધ્યાન આપવાને બદલે સુનિતાનો જ પક્ષ લેતા હતા. વળી, સુનિતા પણ સતત પિયરિયાંઓ જોડે સંપર્કમાં રહ્યા કરતી હોવાને લીધે ઈન્દુના મનમાં ભારે રોષ ભરાયો હતો. આખરે રોજબરોજના ઘરકંકાસથી કંટાળીને તેણે પૂર્વયોજિત હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

પ્રાપ્ત અહેવાલો (Bengaluru) સૂચવી રહ્યા છે કે ઈન્દુએ હત્યાકાંડને એકદમ યોજનાબદ્ધ રીતે ઘડ્યો હતો. તેણે સૌ પ્રથમ તો સુનિતાને મોતને ઘાટ ઉતારી હતી. સુનિતાનું કાસળ કાઢી નાખ્યા પછી તેણે બીજે દિવસે તેના સાસરિયાંઓની હત્યાને અંજામ આપ્યો. કોઈને શક ન પડે એ રીતે તેણે પોતાના બંને સાળાઓને પરિવાર સાથે ઘરે દારૂની પાર્ટી હોવાનું કહીને નોતર્યા હતા. તેણે ઘરે આવેલ બંને સાળા શિવકુમાર અને શંકર અને તેમની પત્નીઓ નલિની અને દિવ્યાની તેમ જ સાસુ રૂપવતી અને શંકરના સાત વર્ષના પુત્ર પુનિતને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઈન્દુએ હત્યા કર્યા બાદ તમામ પુરાવાઓનો ચાલાકીપૂર્વક નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઘરમાંથી લોહીના ડાઘાઓને દૂર કરવા માટે ખાસ કેમિકલ્સની મદદથી સફાઇ કરી હતી. જેથી કોઈને કશી પણ ખબર ન પડે. ત્યારબાદ તેણે તમામ મૃતદેહોને પોતાની કારમાં ભરીને અલગ અલગ અવાવરૂ જગ્યાઓએ જઈને સગેવગે કરી દીધી હતી.

આ દર્દનાક હત્યાકાંડ (Bengaluru)નો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે ઈન્દુના સાસરિયાંઓનો કોઈ પતો ન લાગતાં તેમના વિશે શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. તપાસ દરમિયાન પોલીસે શંકાના આધારે ઈન્દુની અટકાયત કરીને સઘન પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન ઈન્દુનો ગુનો પકડાઈ ગયો હતો અને તેણે પત્ની સહિત સાત લોકોની નિર્દયતાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મૃતદેહોને મેળવવા માટે નંદી હિલ્સની તળેટીમાં  ૪ કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે જઈને તેમને સાત વર્ષના માસૂમ બાળક પુનિતને ડેડબોડી મળી હતી. અત્યારસુધી હાલ પોલીસને માત્ર એક જ મૃતદેહ હાથ લાગ્યો છે. બાકીના છ મૃતદેહો ક્યાં ફેંકવામાં આવ્યા છે તે શોધવા માટે પોલીસની અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવીને તપાસ કરી રહી છે.

national news india murder case karnataka bengaluru Crime News