Bengaluru Crime: પત્નીએ નશામાં ધૂત થઈ ઘરે આવેલા પતિના માથામાં વેલણ ઝીંક્યું- થયું મોત

06 July, 2025 11:47 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Bengaluru Crime: ઘરે દારૂ પીને આવેલા પતિ સાથે ઝગડો થયા બાદ આ મહિલાએ તેના પતિ પર વેલણ લઈને હુમલો કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

બેંગ્લોરમાંથી હત્યા (Bengaluru Crime) પ્રકરણ સામે આવ્યું છે. ૩૨ વર્ષની મહિલાએ પોતાના પતિની હત્યા કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

રિપોર્ટ અનુસાર ઘરે દારૂ પીને આવેલા પતિ સાથે ઝગડો થયા બાદ આ મહિલાએ તેના પતિ પર વેલણ લઈને હુમલો કર્યો હતો. આ હુમલા બાદ તેના પતિનું મોત થઈ ગયું હતું. આરોપી શ્રુતિએ શનિવારે કબૂલાત કરી હતી કે તેણે જ તેના પતિ પર કથિત રીતે હુમલો કર્યો હતો. આ ઘટના બેંગ્લોરના સુદાગુંતે પલ્યા નામના વિસ્તારમાં બની હતી. ૪૨ વર્ષીય ભાસ્કરે શ્રુતિ સાથે 12 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. આ દંપતિને બે બાળકો પણ છે. 

જ્યારે આ ઘટના (Bengaluru Crime) પ્રકાશમાં આવી ત્યારે સૌ પહેલાં તો આરોપી પત્ની શ્રુતિએ પોતાના ગુનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવું કહ્યું હતું કે તે પોતે સૂઈ રહી હતી ત્યારે જ તેના પતિનું મૃત્યુ થઈ ગયું છે. પોલીસે તેના નિવેદનના આધારે શરૂઆતમાં તો અકુદરતી મૃત્યુનો રિપોર્ટ એટલેકે યુડીઆર નોંધ્યો હતો અને ભાસ્કરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમમાં બ્લન્ટ ફોર્સ ટ્રોમા સાથે સુસંગત ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે જ્યારે શ્રુતિની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. ગુનાની કબૂલાત પછી શ્રુતિની ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.

અહેવાલો (Bengaluru Crime) મળી રહ્યા છે કે મૃતક ભાસ્કર છેલ્લા બે મહિનાથી તેની પત્ની અને બે પુત્રીઓથી જરા અળગો અળગો રહેતો હતો. ભાસ્કર કથિત રીતે એક નોકર સાથે રહેતો હતો અને એવું કહેવાતું હતું કે તેનું આ નોકર જોડે લફરુ છે. જ્યારે આ ઘટના બની તે રાત્રે ભાસ્કર તેની એસયુવી લેવા માટે નશામાં ધૂત થઈને મોડી રાતે ઘરે આવ્યો હતો. ત્યારે શ્રુતિ અને તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે પોતે એટલો નશા ચકચૂર હતો કે જો એ વાહન હંકારે તો એક્સિડન્ટ થવાના ચાન્સ હતા એટલે શ્રુતિ તેને રોકવાનો પ્રયાસ કરવા લાગી હતી. 

પોલીસને શ્રુતિએ જણાવ્યું હતું કે ભાસ્કર તેનું શારીરિક શોષણ કરતો હતો. તેણે તેને અને દીકરીઓને ઘરની બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવ માટે જ તેણે એક વેલણ ઉપાડ્યું હતું. જેનાથી હુમલો કરતાં તે વેલણ ભાસ્કરના માથામાં વાગ્યું હતું. ભારે ઇજાને કારણે તેનું મોત થયું હતું. પછી તેણે ભાસ્કરની લાશને એવી રીતે સુવડાવી દીધી કે કોઈને શક ન પડે.

શ્રુતિએ પોલીસ (Bengaluru Crime)ને જણાવ્યું હતું કે ભાસ્કર તેની જોડે અવારનવાર અમાનવીય વર્તન કરતો હતો.  ભાડાની આવકથી પરિવારમાં મહિને 1.5 લાખ રૂપિયા આવતા હતા. પણ, ભાસ્કર ઘર ચલાવવા માટે માત્ર 5,000 રૂપિયા જ આપતો હતો. શ્રુતિએ એ પણ ખુલાસો કર્યો કે તે બાકીના પૈસા દારૂ અને તેના લગ્નેત્તર સંબંધ પર ખર્ચ કરવામાં વાપરતો હતો. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.

national news india bengaluru Crime News murder case