✕

દેશની બીજી બૅન્ગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપરને લીલી ઝંડી: જાણો તેનું ટાઈમ ટેબલ

01 November, 2026 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેલ મંત્રીએ ઉલ્લેખ કર્યો કે વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓએ ટ્રેનની ડિઝાઈનનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, મુસાફરોની સુવિધા અને સુલભતા (accessibility) પર ધ્યાન કેન્દ્રિત કરીને અંતિમ ડિઝાઈનને વધુ સારી બનાવવામાં આવી હતી.

વંદે ભારત સ્લીપર ટ્રેન (ફાઇલ તસવીર)

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે બૅન્ગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ટ્રેન બન્ને મહાનગરો વચ્ચે રાત્રિ દરમિયાન રેલ સેવામાં સુધારો લાવશે. ૧૬ કોચવાળી આ ટ્રેન બૅન્ગલુરુના સર એમ. વિશ્વૈશ્વરૈયા ટર્મિનલ (SMVT) થી રવાના થઈ છે અને સોમવારે સવારે ૬:૧૫ વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે પહોંચશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને એચ. ડી. કુમારસ્વામી, રાજ્ય મંત્રીઓ વી. સોમન્ના અને શોભા કરંદલાજે, તેમજ સંસદ સભ્યો તેજસ્વી સૂર્યા, પી. સી. મોહન અને સી.એન. મંજુનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

૨ નવેમ્બરથી નિયમિત સેવાઓ શરૂ થશે

બૅન્ગલુરુ-મુંબઈ દિશામાં ૨ નવેમ્બરથી અને મુંબઈ-બૅન્ગલુરુ દિશામાં ૩ નવેમ્બરથી નિયમિત સેવાઓ શરૂ થશે. ટ્રેન નંબર ૨૭૬૫૨ બૅન્ગલુરુથી સોમવાર છોડીને અઠવાડિયાના છ દિવસ દોડશે. તે બૅન્ગલુરુના SMVT સ્ટેશનથી સાંજે ૭:૪૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧:૫૫ વાગ્યે મુંબઈના CSMT સ્ટેશન પર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર ૨૭૬૫૧ મુંબઈથી રાત્રે ૮:૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૨:૦૦ વાગ્યે બૅન્ગલુરુ પહોંચશે. આ સેવા મંગળવાર સિવાય અઠવાડિયાના છ દિવસ કાર્યરત રહેશે.

મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ

ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ટ્રેનની ડિઝાઈન મુસાફરોની આરામદાયક મુસાફરી અને સંચાલન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. લોકો પાઈલટ્સ માટે ઍન્જિન કૅબિનની અંદર અલગ શૌચાલયની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરોને મધ્ય અને ઉપરની બર્થ (સીટ) સુધી પહોંચવામાં મદદ મળે તે માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. વધુમાં, મુસાફરી દરમિયાન ઝટકા કે આંચકા ઓછા લાગે તે માટે કોચને જોડતા કપલર્સ (couplers) ને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, "કોચ વચ્ચેના કપલર્સને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. મુસાફરોને મુસાફરી દરમિયાન ઝટકા ન લાગે તે સુનિશ્ચિત કરવા માટે વિશ્વના શ્રેષ્ઠ કપલર્સ લગાવવામાં આવ્યા છે. અમે વંદે ભારત ટ્રેનના દરેક નવા સંસ્કરણમાં સુધારા કરી રહ્યા છીએ. આગામી ત્રણથી ચાર વર્ષમાં, ભારત વંદે ભારત ટ્રેનોની નિકાસ કરવાનું શરૂ કરશે."

દિવ્યાંગ મુસાફરોની સુવિધા પર ધ્યાન

રેલ મંત્રીએ ઉલ્લેખ કર્યો કે વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓએ ટ્રેનની ડિઝાઈનનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, મુસાફરોની સુવિધા અને સુલભતા (accessibility) પર ધ્યાન કેન્દ્રિત કરીને અંતિમ ડિઝાઈનને વધુ સારી બનાવવામાં આવી હતી. તેમણે ઉમેર્યું, "વંદે ભારતની દરેક નવા ઍડિશનમાં, પ્રોપલ્શન સિસ્ટમ અને બોગીઓની ડિઝાઈનને અપગ્રેડ કરવામાં આવી રહી છે. આજે, વંદે ભારતની ચૅર કાર અને સ્લીપર ટ્રેન - બન્ને પ્રકારો પોતપોતાની કૅટેગરીમાં વૈશ્વિક ધોરણો સુધી પહોંચી રહ્યા છે."

કયાં સ્ટેશનો પર ખમશે?

બૅન્ગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેન અનંતપુર, ગુન્તકલ, રાયચુર, યાદગીર, કલાબુરાગી, સોલાપુર, પુણે અને કલ્યાણ આ સ્ટેશનો પર ખમશે.

vande bharat ashwini vaishnaw indian railways bengaluru mumbai