બૅન્ગલોરમાં પત્નીની હત્યા કરીને મૃતદેહ સૂટકેસમાં ભર્યો, પછી પતિ સાતારામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો

30 March, 2025 07:09 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ગુરુવારે તેમના ફ્લૅટમાંથી ગૌરીનો સૂટકેસમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ઘણા ઘા કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરના હુલ્લીમાવુ પોલીસ-સ્ટેશનની હદમાંથી ગુરુવારે એક સૂટકેસમાંથી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો પતિ જ આ હત્યા કરીને નાસી ગયો હોવાથી પોલીસ તેને શોધી રહી હતી. જોકે આ આરોપી ગુરુવારે રાત્રે સાતારા જિલ્લાના શિરવળ પોલીસ-સ્ટેશનની હદમાં બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. તેણે કોઈ ઝેરી દવા ગટગટાવી હોવાથી અત્યારે પુણેની પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે. 

ઘટનાની વિગતો મુજબ રાકેશ ખેડેકર અને તેની પત્ની ગૌરી એક મહિના પહેલાં જ બૅન્ગલોર શિફ્ટ થયાં હતાં. ગૌરીએ માસ મીડિયામાં ડિગ્રી લીધી હતી, જ્યારે રાકેશ પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતો હતો અને તે વર્ક ફ્રૉમ હોમ કરતો હતો. તેઓ ભાડેથી ફ્લૅટ લઈને રહેતાં હતાં. ગુરુવારે તેમના ફ્લૅટમાંથી ગૌરીનો સૂટકેસમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ઘણા ઘા કરવામાં આવ્યા હતા. બૅન્ગલોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને રાકેશ ખેડેકરની શોધ ચાલુ કરી હતી. 

શિરવળ પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમને રાકેશ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. એ પછી તેને ​સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તેણે હોશમાં આવ્યા બાદ કહ્યું હતું કે તેણે પોતાની પત્નીની હત્યા કરી છે. તેની સારવાર સારી રીતે થઈ શકે એ માટે તેને હવે પુણેની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.’ 
જોકે બીજી બાજુ બૅન્ગલોર પોલીસ ગૌરીની હત્યાના કેસમાં તેની કસ્ટડી લેવા ગઈ કાલે પુણે પહોંચી ગઈ હતી.  

national news india bengaluru murder case satara