25 December, 2025 07:29 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
ભીમાશંકર મંદિર
૧૨ જ્યોતિર્લિંગોમાંના એક શ્રી ક્ષેત્ર ભીમાશંકર મંદિર પરિસરમાં ટેક્નિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ શરૂ કરવામાં આવ્યાં છે. આને કારણે ૩ મહિના માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સબ-ડિવિઝનલ ઑફિસરની અધ્યક્ષતામાં મળેલી એક મીટિંગમાં દેવસ્થાન ટ્રસ્ટ, સ્થાનિક ગ્રામજનો અને ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસર્સ વચ્ચે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એ પછી ૩ મહિના માટે મંદિર બંધ રાખવાનો ઑર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે. આ માટેની તારીખો હજી જાહેર કરવામાં આવી નથી, પણ મંદિર જાન્યુઆરીથી માર્ચ વચ્ચે બંધ રહી શકે છે. મંદિર દર્શન માટે બંધ હશે ત્યારે પૂજા-અર્ચના અને વૈકલ્પિક દર્શન માટેની વ્યવસ્થા વિશે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે.
૨૮૮ કરોડનો ડેવલપમેન્ટ પ્લાન
ભીમાશંકરના વિકાસ માટે સરકારે ૨૮૮.૧૭ કરોડ રૂપિયાના ફન્ડને મંજૂરી આપી છે, જેમાં પીવાના પાણી અને રહેવાની સુવિધાઓનું વિશેષ આયોજન, રસ્તાઓ, પાર્કિંગ અને ક્લેન્લીનેસ માટેની વ્યવસ્થા સહિતનાં કામ હાથ ધરવામાં આવશે. આર્કિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટના માર્ગદર્શનમાં મંદિરની મૂળ રચનાને કંઈ નુકસાન ન થાય એનું ધ્યાન રાખીને આ કામ પાર પાડવામાં આવશે..
૨૦૨૭ના કુંભમેળા માટેની તૈયારી
૨૦૨૭માં નાશિકમાં કુંભમેળો ભરાવાનો છે એ સમયે ભીમાશંકર મંદિરે દર્શન કરવા આવનારા ભક્તોની સંખ્યા પણ વધી જશે એ બાબતને ધ્યાનમાં રાખીને આ કામ હાથ ધરવામાં આવી રહ્યાં છે.