01 April, 2026 10:28 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બહરાઈચમાં પોલીસની પકડમાં અને પછી હાથ જોડીને માફી માગતો મૌલાના.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનાં માતા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)એ બિહારના એક મૌલવીની ધરપકડ કરી છે. અરરિયા જિલ્લાના જોકીહાટના રહેવાસી મૌલાના અબદુલ્લા સલીમ કાસ્મી ઉર્ફે ચતુર્વેદીની સોમવારે મોડી રાત્રે પૂર્ણિયાથી ધરપકડ કરવામાં આવી હતી. તેને રાત્રે બહરાઇચ લાવવામાં આવ્યો હતો અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપતાં તેને જેલમાં પૂરવામાં આવ્યો હતો. જેલમાં જતાં પહેલાં મૌલાના અબદુલ્લાએ આ મુદ્દે માફી માગી હતી. તેણે હાથ જોડીને કહ્યું હતું કે ‘હું દિલથી માફી માગું છું અને વચન આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય. હું મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના લોકો પાસેથી માફી માગું છું.’
આ મુદ્દે સર્કલ ઑફિસર (સિટી) નારાયણ દત્ત મિશ્રાએ કહ્યું હતું કે ‘મૌલવીએ આ વિવાદિત કમેન્ટ ૨૦૨૪ના મે મહિનામાં પાંચમી તારીખે બિહારના ભાગલપુરમાં કરી હતી. આ મહિને આ કમેન્ટ વાઇરલ થઈ હતી અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાનૂની સેલ દ્વારા બહરાઇચમાં ૮ માર્ચે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’
મૌલવીએ ઉત્તર પ્રદેશમાં ગાય અને ગૌહત્યાકાયદા અંગે પણ કથિત રીતે ભડકાઉ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેને કારણે રાજ્યભરમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે ૮૦થી વધુ પોલીસ-સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરી હતી, જ્યારે અનેક સ્થળોએ વિરોધ-પ્રદર્શનો થયાં હતાં જેમાં પ્રદર્શનકારીઓએ મૌલવી સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.