11 November, 2025 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગયાજીનાં ત્રણ ગામોમાં પચીસ વર્ષ પછી મતદાન થઈ રહ્યું હોવાથી મતદાનની પૂર્વસંધ્યાએ સ્થાનિકોએ રંગોળી પૂરીને લોકોને મતદાન માટે જાગ્રત કર્યા હતા.
બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા ફેઝમાં ૨૦ જિલ્લાની ૧૨૨ સીટો પર આજે મતદાન થશે. આ ફેઝમાં કેટલીક સીટો પરનો મુકાબલો હાર-જીત નહીં પણ પ્રતિષ્ઠા અને રાજનીતિક વર્ચસ, જાતીય સમીકરણ અને સ્થાનિક નેતૃત્વની શાખનો સવાલ બની ગયો છે. ચંપારણ, સીમાંચલ, મગધ અને શાહાબાદની આ સીટો સમીકરણ બદલવાની ક્ષમતા રાખે છે. આ સીટો પર અનેક હાઈ-પ્રોફાઇલ ચહેરા મેદાનમાં ઊતરેલા છે.
કુલ ૪૫,૩૯૯ બૂથો છે. એમાંથી ૫૯૫ બૂથ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત, ૯૧ દિવ્યાંગજન સંચાલિત અને ૨૧૬ મૉડલ બૂથ છે. તમામ બૂથો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે જેથી નિષ્પક્ષ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત થઈ શકે.
કેમૂરના ચૈનપુર, રોહતાસ અને સાસારામની બેઠકો પર સૌથી વધુ ૨૨-૨૨ ઉમેદવારો મેદાનમાં છે. સુગૌલી, ત્રિવેણીગંજ અને બનમનખી એમ ૩ બેઠકો પર સૌથી ઓછા માત્ર પાંચ જ ઉમેદવારો મેદાનમાં છે.
૧૮થી ૧૯ વર્ષના ૭,૬૯,૩૫૬ મતદાતાઓ, ૨૦-૨૯ વર્ષના ૮૪,૮૪,૬૪૧ મતદાતાઓ, ૩૦થી ૪૦ વર્ષના ૧,૦૪,૯૭,૬૨૯ મતદાતાઓ, ૪૧થી ૬૦ વર્ષના ૧,૨૪,૧૯,૪૪૫ મતદાતાઓ અને ૬૦ વર્ષથી મોટી વયના ૪૮,૪૨,૪૮૫ મતદાતાઓ છે.
ગયાજીનાં ૩ ગામોમાં પચીસ વર્ષ પછી પહેલી વાર થશે મતદાન
ગયાજીનાં હેરહજ, પથરા અને કેવલડીહ નામનાં ૩ ગામોમાં મતદાતાઓ પચીસ વર્ષ પછી પહેલી વાર પોતાના જ ગામમાં મતદાન કરી શકશે. ૨૦૦૧માં છેલ્લે આ ગામમાં બૂથ નખાયાં હતાં. એ પછી નક્સલવાદી ગતિવિધિઓને કારણે આ ગામોમાં પોલિંગ બૂથ દસથી ૧૨ કિલોમીટર દૂર બનાવવામાં આવતાં હોવાથી મોટા ભાગના ગ્રામીણો મત નાખવા જતા જ નહોતા.