બિહારમાં ચૂંટણીપ્રચાર સમાપ્ત, બીજા તબક્કાનું મતદાન આવતી કાલે

10 November, 2025 11:34 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

૨૦ જિલ્લાના ૩,૭૦,૧૩,૫૫૬ વોટર્સ કરશે ૧૨૨ બેઠકો માટે મતદાન

પ્રતીકાત્મક તસવીર

બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનો ચૂંટણીપ્રચાર ગઈ કાલે સાંજે ૬ વાગ્યે સમાપ્ત થઈ ગયો હતો. હવે આવતી કાલે બિહારના ૨૦ જિલ્લાઓમાં ૧૨૨ બેઠકો માટે મતદાન થશે. આમાં ૧૦૧ જનરલ બેઠકો, ૧૯ અનુસૂચિત જાતિ અને બે અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે.  ચૂંટણીનાં પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 

વોટિંગ માટે ૪૫,૩૯૯ બૂથ તૈયાર કરવામાં આવ્યાં છે જેમાંથી ૫૯૫ મહિલા સંચાલિત, ૯૧ દિવ્યાંગજન સંચાલિત અને ૩૧૬ મૉડલ બૂથનો સમાવેશ છે. આ તબક્કામાં પ્રત્યેક બૂથ પર સરેરાશ ૮૧૫ મતદારો છે.

કુલ ૩,૭૦,૧૩,૫૫૬ મતદાતાઓ છે. એમાં ૧,૯૫,૪૪,૦૪૧ પુરુષ મતદાતા, ૧,૭૪,૬૮,૫૭૨ મહિલા મતદાતા અને ૯૪૩ થર્ડ જેન્ડર મતદાતા છે. ૧૮થી ૨૯ વર્ષના ૮૪.૮૪ લાખ મતદારો છે. પહેલી વાર મતદાન કરનારા મતદારોની સંખ્યા ૭,૬૯,૩૫૬ છે. આ સિવાય ૪૩ નૉન-રેસિડન્ટ ઇન્ડિયનો અને ૧૦૦ વર્ષથી વધારે ઉંમરના ૬૨૫૫ મતદારો પણ સામેલ છે. ૮૦ વર્ષથી વધુ વયના ૪,૮૭,૨૧૯ મતદારો ઉપરાંત ૪,૦૪,૬૧૫ દિવ્યાંગજન અને ૬૩,૩૭૩ સર્વિસ મતદારો છે.

ગઈ કાલે પ્રચારના છેલ્લા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, મહાગઠબંધન વતી તેજસ્વી યાદવ અને લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને ઘણી પ્રચારસભાઓને સંબોધી હતી.

આ તબક્કામાં કૈમૂરના ચૈનપુર, રોહતાસના સાસારામ અને ગયા શહેરમાં સૌથી વધુ બાવીસ-બાવીસ ઉમેદવારો મેદાનમાં છે.

national news india bihar elections bihar political news indian politics