28 January, 2026 10:24 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહારના રોહતાસ જિલ્લામાં જમીનના એક ટુકડા માટે ૩ જણની હત્યા કરનારા બે દોષીને ફાંસીની સંભળાવવામાં આવેલી સજાને બહાલી આપતાં બિહાર હાઈ કોર્ટના જજે મહાભારતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે અધર્મ થયો હોય ત્યાં દોષીઓને કરવામાં આવેલી ફાંસીની સજા યોગ્ય છે.
શું હતો કેસ?
આરોપી અમન સિંહ અને સોનલ સિંહના ઘરની પાસે વિજય સિંહ, દીપક સિંહ અને રાકેશ સિંહની જમીન હતી. આ જમીન પર આરોપીઓએ ખેતી શરૂ કરી દીધી હતી અને જ્યારે ત્રણેએ વિરોધ નોંધાવ્યો ત્યારે આરોપીઓ તેમની પાછળ તલવાર અને ભાલા લઈને પડ્યા હતા અને તેમના ઘરમાં જઈને ત્રણેની હત્યા કરી દીધી હતી.
નીચલી અદાલતે ફાંસીની સજા કરી
આ કેસમાં અમન સિંહ અને સોનલ સિંહને નીચલી અદાલતે ફાંસીની સજા કરી હતી. આ ચુકાદાને તેમણે બિહાર હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. તેમનો દાવો હતો કે આ કેસમાં કોઈ સાક્ષીદાર નથી, જે પુરાવા રજૂ થયા છે એ ટેક્નિકલ છે અને એ હત્યા પુરવાર કરતા નથી.
કોર્ટે પોલીસનો ઊધડો લીધો
હાઈ કોર્ટના જસ્ટિસ સૌરેન્દ્ર પાંડે અને જસ્ટિસ રાજીવ રંજન પ્રસાદની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. બેન્ચે જણાવ્યું હતું કે ‘આ કેસમાં પોલીસે નિષ્પક્ષ રીતે કામ કર્યું નથી. જાણીજોઈને અનેક ત્રુટિ રાખવામાં આવી હતી. જમીનની માલિકી વિશે તપાસ કરાઈ નથી. આરોપીને ફાયદો થાય એ રીતે તપાસ કરવામાં આવી હતી. જોકે પોલીસે કરેલી ભૂલોનો ફાયદો અમે આરોપીને આપવા માગતા નથી.’
અધર્મ માટે શિક્ષા જરૂરી
બેન્ચે કહ્યું હતું કે ‘મહાભારતની કથા આપણને એક જ નિષ્કર્ષ સુધી પહોંચાડે છે કે આરોપીઓને સજા થવી જોઈએ. આરોપીઓએ શક્તિના આધારે જમીન પચાવીને પોતાનાં સગાંઓની હત્યા કરી હતી. આ અધર્મ માટે સજા થવી જોઈએ. જમીનના એક ટુકડા માટે ૩ પુરુષોની હત્યા કરવામાં આવી છે. તેમની પત્નીઓનાં જીવન ઉધ્વસ્ત થયાં છે, બાળકો આયુષ્યભર અનાથ થયાં છે. મહિલાઓ અને બાળકોના મન પર કદી ભરી ન શકાય એવા જખમ થયા છે. તેઓ આજીવન રડી રહ્યાં છે. આ અસામાન્ય કેસ છે અને તેથી ફાંસીની સજા જ યોગ્ય છે.’