07 August, 2026 09:25 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
બિહારના બેગુસરાય જિલ્લાની કરોડો રૂપિયાના ખર્ચે બનેલી મંઝૌલ સબ-ડિવિઝનલ હૉસ્પિટલમાં માર્ગ-અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકના ફ્રૅક્ચરવાળા પગ પર તબીબી સાધનોને બદલે કાર્ડબોર્ડ કાર્ટન (પૂંઠું) વીંટાળીને પાટો બાંધવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં રાજ્યના આરોગ્યતંત્રની નબળી સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નૌકોઠી પોલીસ-સ્ટેશન વિસ્તારના મહેશ્વરા ગામનો રહેવાસી કુણાલ બાઇક-અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેને સારવાર માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
હૉસ્પિટલમાં એ સમયે કોઈ ઑર્થોપેડિક ડૉક્ટર કે ડ્રેસર હાજર ન હોવાથી તબીબી કર્મચારીઓએ રક્તસ્રાવ રોકવા અને ફર્સ્ટ એઇડ આપવાના નામે કાર્ડબોર્ડનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ દરદીને વધુ સારવાર માટે બેગુસરાયની સદર હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલના ઇન્ચાર્જે આ પ્રક્રિયાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે ઇમર્જન્સીમાં દરદીના ફ્રૅક્ચરવાળા ભાગને સ્થિર રાખવા માટે કાર્ડબોર્ડનો ઉપયોગ કરવો તબીબી રીતે બિલકુલ ખોટું નથી.