કૃષિ કાયદાઓ ચર્ચા વગર પાસ, ચર્ચા વગર થયા રદ

30 November, 2021 09:29 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંસદનાં બન્ને ગૃહોમાં વિપક્ષોએ મચાવ્યો ભારે હોબાળો, ચર્ચાની માગને સરકારે ફગાવી

સંસદના શિયાળુ સત્ર દરમ્યાન લોકસભામાં વિરોધ કરી રહેલા વિરોધ પક્ષના નેતાઓ

છેલ્લા લગભગ એક વર્ષથી ખેડૂતો તેમ જ વિરોધ પક્ષો જેને પાછો ખેંચવાની માગણી કરી રહ્યા હતા એ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચતો ખરડો ગઈ કાલે સંસદમાં કોઈ પણ પ્રકારની ચર્ચા વિના જ પસાર કરાયો હતો. 
ફાર્મ લૉ રિપીલ બિલ, ૨૦૨૧ પ્રથમ લોકસભામાં અને ત્યાર બાદ રાજ્યસભામાં ખરડા પર ચર્ચાની માગણી કરતા વિરોધ પક્ષોના સૂત્રોચ્ચાર વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું હતું. બન્ને ગૃહોમાં સરકાર દ્વારા ખરડો રજૂ કરાયાની ગણતરીની મિનિટોમાં એ પસાર કરવામાં આવ્યું હતું. 
રદ કરવામાં આવેલા ત્રણ વિવાદાસ્પદ કાયદા ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન) બિલ, ૨૦૨૦, ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ ઍન્ડ પ્રોટેક્શન) ઍગ્રીમેન્ટ ઑન પ્રાઇસ અશ્યૉરન્સ ફાર્મ સર્વિસિસ બિલ, ૨૦૨૦ અને એસેન્શિયલ કૉમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ છે. 
સંયુક્ત કિસાન મોરચાના બૅનર હેઠળ દેશભરના ખેડૂતો આ કાયદાઓ પાછા ખેંચી લેવા, મિનિમમ સપોર્ટ પ્રાઇસને કાયદેસર કરવા તેમ જ અન્ય માગણી સાથે છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. 
કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બપોરે ૧૨ વાગ્યે લોકસભામાં અને બે વાગ્યે રાજ્યસભામાં ખરડો રજૂ કરતાં વિરોધ પક્ષના સભ્યો સૂત્રોચ્ચાર કરવા માંડ્યા હતા. કેટલાક તેમની સીટ છોડીને સ્પીકરની ચૅર તરફ ધસી ગયા હતા અને આ ખરડા પર ચર્ચા કરવાની માગણી કરી રહ્યા હતા. 
સ્પીકર ઓમ બિરલાએ ​સંસદસભ્યો સભ્ય વર્તણૂક કરે અને પોતાના સ્થાન પર પાછા ફરે તો જ ચર્ચા કરવામાં આવશે એમ જણાવ્યા છતાં વિરોધ પક્ષના નેતાઓએ ગૃહમાં શાંતિ જાળવી નહોતી.
સ્પીકરે આ ખરડો મૌખિક મતદાન માટે રજૂ કર્યો હતો તથા વિરોધ પક્ષોના સૂત્રોચ્ચાર વચ્ચે પણ કોઈ પણ પ્રકારની ચર્ચા વિના આ ખરડો પસાર થઈ ગયો હતો.

સરકાર અને વિપક્ષ એકમત : તોમર
કૃષિ કાયદાઓ પરત ખેંચવાના મામલે ખરડો સંસદમાં પાસ કરતી વખતે વિપક્ષને ચર્ચા કરવાની તક ન આપવાના આરોપને ફગાવતાં કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે સરકાર તેમ જ વિપક્ષ આ કાયદાઓ પરત ખેંચવાના મામલે એકમત હતા. લોકસભા તેમ જ રાજ્યસભામાં ખરડો પસાર થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે વધુમાં કહ્યું હતું કે લોકસભામાં ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ વિપક્ષોના હોબાળાને કારણે એને રદ કરવી પડી. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના સભ્યોને કહ્યું પણ હતું કે જો તેઓ તેમની ખુરશી પર જઈને બેસી જાય તો ચર્ચા કરીશું.’ હવે રાષ્ટ્રપતિ આ ખરડા પર સહી કરતાં જ આ કાયદો રદ થઈ જશે. તોમરે કહ્યું હતું કે ‘વડા પ્રધાને પોતાનું વચન પાળતાં પહેલા જ દિવસે ખરડો પસાર કર્યો હતો. અમે ખેડૂતોનાં હિત માટે જ આ કાયદો લાવ્યા હતા, પરંતુ એમને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ.’

 અમે અગાઉ પણ કહ્યું હતું કે સરકારે કૃષિ કાયદાઓ રદ કરવા જ જોઈએ. સરકારે એમ કર્યું પરંતુ કોઈ પણ ચર્ચા વગર જ આ કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા એ એક કમનસીબ વાત છે. 
- રાહુલ ગાંધી, કૉન્ગ્રેસ નેતા

national news india