27 December, 2025 08:31 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
વી. વી. રાજેશ
કેરલાની રાજધાની તિરુવનંતપુરમના મેયર તરીકે પહેલી વાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વી. વી. રાજેશે શપથ ગ્રહણ કર્યા હતા જે સાઉથના રાજ્યના રાજકીય પરિદૃશ્યમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી. હોદ્દો ગ્રહણ કર્યા બાદ તેમણે કહ્યું હતું કે ‘આપણે સાથે મળીને આગળ વધીશું. બધાને સાથે લઈને તમામ ૧૦૧ વૉર્ડમાં વિકાસ લાગુ કરવામાં આવશે. તિરુવનંતપુરમને વિકસિત શહેરમાં રૂપાંતરિત કરવામાં આવશે.’
કેરલામાં BJP કેરલામાં ક્યારેય સત્તામાં રહી નથી અને ફક્ત એક જ વિધાનસભ્ય ઓ. રાજગોપાલ ૨૦૧૬માં નેમોમ બેઠક પર ચૂંટાયા હતા અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં થ્રિસૂરથી ઍક્ટરમાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીએ જીત મેળવી હતી.
ગઈ કાલે યોજાયેલી મેયરપદની ચૂંટણીમાં ૪૫ વર્ષના વી. વી. રાજેશને ૧૦૦ સભ્યોના ગૃહમાં ૫૧ મત મળ્યા હતા. BJP પાસે ૫૦ મત છે અને અપક્ષ નગરસેવક પી. રાધાકૃષ્ણનના સમર્થનથી વિજય શક્ય બન્યો હતો.