૩૨ લાખ મુસ્લિમોને મળશે સૌગાત-એ-મોદી

26 March, 2025 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરીબ મુસ્લિમોને BJP આપશે ઈદની ભેટ: કિટમાં મળશે તહેવારનો તમામ સામાન

પ્રતીકાત્મક તસવીર

ઈદ પહેલાં BJP ગરીબ મુસ્લિમોને ભેટ વહેંચવાનું અભિયાન શરૂ કરી રહી છે. BJP લઘુમતી માટે સૌગાત-એ-મોદી અભિયાન ચલાવીને ૩૨ લાખ ગરીબ મુસ્લિમોને ભેટ આપશે. આ અભિયાનની દિલ્હીના નિઝામુદ્દીનથી શરૂઆત થઈ. આ ઝુંબેશનું નિરીક્ષણ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા કરશે. BJPનું કહેવું છે કે ગરીબ મુસ્લિમોને એક કિટ ભેટમાં આપવામાં આવશે જેથી તેઓ પણ ઈદની ઉજવણી ગૌરવ સાથે કરી શકે. સૌગાત-એ-મોદી કિટમાં તહેવારનો તમામ સામાન હશે.

BJPના ૩૨,૦૦૦ કાર્યકરોને આ કામ સોંપવામાં આવ્યું છે. BJPના દરેક કાર્યકર્તાને એક મસ્જિદની જવાબદારી સોંપાઈ છે. આ રીતે દેશભરમાં ૩૨,૦૦૦ મસ્જિદને આવરી લેવામાં આવશે. ત્યાર બાદ ઈદ પહેલાં ગરીબ મુસ્લિમોને ભેટ આપવામાં આવશે. BJP લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે ‘ઈદ, ભારતીય નવું વર્ષ, નવરોઝ, ઈસ્ટર, ગુડ ફ્રાઇડેને ધ્યાનમાં રાખીને આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘણા લઘુમતી એવા છે જેઓ તેમના તહેવારો યોગ્ય રીતે ઊજવી પણ શકતા નથી. આવી સ્થિતિમાં BJP તેમને સૌગાત-એ-મોદી આપશે. આ ઉપરાંત જિલ્લાસ્તરે પણ ઈદ-મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.’

national news india bharatiya janata party eid narendra modi festivals