પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજીની બન્ને બેઠકો સામે BJPએ સુવેન્દુ અધિકારીને ઉતાર્યા

17 March, 2026 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તૃણમૂલ કૉન્ગ્રેસમાંથી જ છૂટા પડેલા સુવેન્દુએ ગઈ વિધાનસભામાં નંદીગ્રામ બેઠક પરથી મમતાને હરાવ્યાં હતાં: BJPના ૧૪૪ ઉમેદવારોનું લિસ્ટ જાહેર, એમાં ૧૦ મહિલા ઉમેદવારો પણ સમાવિષ્ટ

LPGનાં સિલિન્ડરોની અછતના વિરોધમાં ગઈ કાલે કલકત્તામાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ૧૪૪ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી જેમાં ૧૦ મહિલાઓનો પણ સમાવેશ છે. મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની હાઈ-પ્રોફાઇલ ભવાનીપુર બેઠક પર પાર્ટીએ વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. BJPમાં જોડાતાં પહેલાં મમતા બૅનરજીના નજીકના સાથી રહેલા સુવેન્દુ અધિકારીને ભવાનીપુર અને નંદીગ્રામ બન્ને બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પગલાથી બન્ને નેતાઓ વચ્ચે નવેસરથી રાજકીય ટક્કર થવાની સંભાવના વધી ગઈ છે.

૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બૅનરજીએ ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. BJPનો આ બેઠક પરથી સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય તૃણમૂલ કૉન્ગ્રેસના નેતૃત્વને તેની હોમ પિચમાં પડકારવા માટે આક્રમક વ્યૂહરચનાનો સંકેત આપે છે. સુવેન્દુ અધિકારીએ અગાઉ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન નંદીગ્રામમાં મમતા બૅનરજીને હરાવ્યાં હતાં. 

કેરલમમાં BJPએ પ્રથમ ૪૭ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું

કેરલમ વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે BJPએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. એમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો રાજીવ ચંદ્રશેખર અને વી. મુરલીધરન સહિત કુલ ૪૭ નામો જાહેર થયાં છે. 

ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં ટોચના અધિકારીઓની બદલી કરી નાખી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની જાહેરાત સાથે ચૂંટણીપંચે મુખ્ય સચિવ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઘણા ટોચના અધિકારીઓની બદલી કરી હતી. ચૂંટણીપંચે વર્તમાન ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) અને ચીફ સેક્રેટરીને દૂર કર્યા છે અને આ પદો પર નવા અધિકારીઓની નિમણૂક કરી છે.

national news india west bengal mamata banerjee bhartiya janta party bjp bharatiya janata party trinamool congress lpg crisis political news kolkata