મમતા બૅનરજીનો ગઢ ભેદવા BJPએ મેદાનમાં ઉતારી છે મૉડલિંગ ગર્લ પમેલા ગોસ્વામીને

09 January, 2026 10:52 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

મહિલા મુખ્ય પ્રધાનની સામે BJP પણ મહિલા વિંગ તૈયાર કરી રહી છે, એમાં ગ્લૅમરસ અને યુવાનોમાં આકર્ષણ જગાવનારી આ યંગ નેતાનું નામ મોખરે

પમેલા ગોસ્વામી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લગભગ બે મહિના જ બાકી છે અને આ વખતે પણ BJP વર્સસ TMCનો જ જંગ છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને હટાવવા માટે BJP ભરપૂર કોશિશ કરી રહી છે, જ્યારે તૃણમૂલ કૉન્ગેસ (TMC) કોઈ પણ કાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તામાં આવતાં રોકવા મથી રહી છે. આ જંગમાં BJPની નેતા પમેલા ગોસ્વામી બહુ તેજીથી ચર્ચામાં આવી રહી છે. કહેવાય છે કે BJP મમતા બૅનરજીની સામે મહિલા વિંગ તૈયાર કરી રહી છે અને એ વિંગમાં પમેલા ગોસ્વામીનું નામ મોખરે છે. પમેલાને ૨૦૨૦માં BJPની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાની રાજ્ય-સચિવ બનાવવામાં આવી હતી.

પમેલા ગોસ્વામી ૨૦૨૧માં એ સમયે અચાનક ચર્ચામાં આવી હતી જ્યારે પશ્ચિમ બંગાળની પોલીસે તેને કોકેન સાથે પકડી લીધી હતી. તેના પર ડ્રગ્સ સ્મગલિંગનો કેસ થયો હતો. જોકે એ વખતે TMC દ્વારા BJPને ફસાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે એવું કહીને પમેલાને ડ્રગ્સના તમામ આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવી હતી.

પમેલા છે કોણ?
૧૯૯૩માં કલકત્તામાં જન્મેલી પમેલાએ MBA સુધી ભણ્યા પછી મૉડલિંગમાં એન્ટ્રી મારી હતી. એ પછી તે ઍરહૉસ્ટેસ બની ગઈ અને ઇન્ડિગો ઍરલાઇન્સ માટે કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે બંગાળી ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં પણ કામ કર્યું. ૨૦૧૯માં તેણે સામાજિક કાર્યકર તરીકે BJP જૉઇન કરી હતી. તે યુવાન મતદાતાઓને આકર્ષવાનું કામ કરી રહી છે. 

national news india mamata banerjee west bengal bharatiya janata party political news trinamool congress