13 April, 2026 12:35 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
BJPએ પોતાના સંસદસભ્યો માટે ૩ લીટીનો વ્હિપ રજૂ કરીને ૧૬થી ૧૮ એપ્રિલ સુધી સંસદમાં હાજર રહેવા માટે જણાવ્યું છે. આ સમયગાળા દરમ્યાન કોઈ રજા આપવામાં આવશે નહીં. આ સત્રમાં મહિલા અનામત માટે બિલ આવી શકે છે અને આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિપક્ષી સભ્યોને પત્ર લખ્યો છે.
બુધવારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ બેઠકમાં નારીશક્તિ વંદન કાયદામાં સુધારો કરતા ડ્રાફ્ટ-બિલને મંજૂરી આપવામાં આવી હતી.
સરકારે બજેટસત્ર લંબાવ્યું છે અને ૧૬થી ૧૮ એપ્રિલ સુધી સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે. સંસદ દ્વારા મંજૂરી મળ્યા પછી આ કાયદો ૩૧ માર્ચ, ૨૦૨૯ના રોજ અમલમાં આવશે અને એ વર્ષે લોકસભાની ચૂંટણી દરમ્યાન પહેલી વાર અમલમાં આવશે.
આ પહેલાં રવિવારે નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં તમામ પક્ષોના નેતાઓને પત્ર લખીને નારીશક્તિ વંદન અધિનિયમ માટે સમર્થન માગ્યું હતું. વડા પ્રધાને લખ્યું હતું કે આ કાયદાને દેશભરમાં તેની સાચી ભાવનામાં લાગુ કરવાનો સમય આવી ગયો છે. ૨૦૨૯ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ મહિલાઓ માટે અનામત સાથે યોજવી જોઈએ. બધા પક્ષોએ લાંબા સમયથી રાજકારણમાં મહિલાઓ માટે વધુ પ્રતિનિધિત્વની ઇચ્છા વ્યક્ત કરી છે અને હવે એને વાસ્તવિકતામાં બદલવાનો સમય આવી ગયો છે.
આ પ્રસ્તાવ હેઠળ લોકસભા બેઠકોની સંખ્યા વર્તમાન ૫૪૩થી વધારીને ૮૧૬ કરવામાં આવશે, જેમાંથી ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.