આજીવન કેદની સજા ભોગવતા BJPના નેતાને જામીન મળ્યા

24 December, 2025 09:02 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી હાઈ કોર્ટે કુલદીપ સેંગરની સજા સસ્પેન્ડ કરી, પીડિતાના વિસ્તારથી દૂર રહેવાનો આદેશ

કુલદીપ સિંહ સેંગર

ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા BJPના ભૂતપૂર્વ વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈ કોર્ટે જામીન આપ્યા છે. ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદ અને હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચે સેંગરની અપીલ પર સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની સજા સ્થગિત કરી દીધી છે. સેંગરે સજા સામે અપીલ કરી છે. કોર્ટે કુલદીપ સિંહ સેંગરને ૧૫ લાખ રૂપિયાના વ્યક્તિગત બૉન્ડ પર શરતી મુક્તિનો આદેશ આપ્યો છે. જોકે કોર્ટે ચાર શરતો લગાવી છે જેમાં તેણે પીડિતાથી ૫ કિલોમીટર દૂર રહેવું પડશે. દર સોમવારે પોલીસમાં રિપોર્ટ કરવું પડશે. તેણે પોતાનો પાસપોર્ટ સંબંધિત અધિકારીને સોંપવો પડશે. જો એક પણ શરતનો ભંગ થાય તો જામીન રદ કરવામાં આવશે.

ઉન્નાવમાં કુલદીપ સેંગર અને તેના સાથીઓએ ૨૦૧૭માં એક સગીરનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો. ૨૦ ડિસેમ્બર, ૨૦૧૯ના દિલ્હીની તીસ હજારી કોર્ટે દોષિત કુલદીપ સિંહ સેંગરને આજીવન કેદની સજા ફટકારી હતી અને તેને મૃત્યુ સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો હતો. સેંગરને ૨૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કુલદીપ સેંગરનું વિધાનસભાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. તેને BJPએ પક્ષમાંથી હાંકી કાઢ્યો હતો. 

national news india delhi news delhi high court bharatiya janata party sexual crime