03 August, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
મુંબઈમાં જમા થતા દૈનિક ૬૫૦૦થી ૭૦૦૦ ટન જેટલા કચરાના નિકાલના બોજને અને હજારો ટન કચરાના દૈનિક ટ્રાન્સપોર્ટેશનને ઘટાડવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશન (BMC)એ શહેરવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWG) એટલે કે ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી અથવા દરરોજ ૧૦૦ કિલોથી વધુ ભીના કચરાનું ઉત્પાદન કરતી હાઉસિંગ સોસાયટીઓ અને કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટના ભીના કચરાને મૂળ સ્થાને જ પ્રોસેસ થાય એવી યોજના BMCએ ચાલુ કરી છે. જે BWG ગાઇડલાઇન્સનું પાલન કરીને પોતાના પરિસરમાં જ ભીના કચરાના નિકાલ માટે પ્રોસેસ કરે એને પ્રૉપર્ટી ટૅક્સમાં ૧૫ ટકા સુધીની છૂટ આપવાની ઑફર કરી છે.
આ પહેલને ઝડપી બનાવવા માટે BMCએ શનિવારે સંલગ્ન એજન્સીઓ પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટ્રેસ્ટ (EOI) મગાવ્યા છે. BWGએ સ્પૉટ પર જ કચરો પ્રોસેસ કરવાની સિસ્ટમ્સ બેસાડવા અથવા ઔપચારિક રીતે BMCને વેસ્ટ મૅનેજમેન્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે સૂકા કચરાનું રીસાઇક્લિંગ અધિકૃત સંસ્થા દ્વારા જ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં BMCએ ૩૧૭૭ BWG ઓળખી કાઢ્યા છે, જેમાંથી ૨૦૨૫એ MyWaste પોર્ટલ પર નોંધણી કરાવી છે, જ્યારે ફક્ત ૫૧૩ પ્રૉપર્ટીએ ઑન-સાઇટ વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ્સ માટે જગ્યા નક્કી કરી છે.
૩ મહિનામાં ૭૦ લાખનો દંડ વસૂલ કર્યો
BMCએ એપ્રિલ મહિનાથી લાગુ કરેલા બાય-લૉઝમાં સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ (SWM)ના નવા નિયમોનું પાલન ન કરનાર સામે ૪૦૦૬ કેસ નોંધીને ૩ મહિનામાં ૭૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. એમાંથી ૨૩.૧ લાખનો દંડ કન્સ્ટ્રક્શનનો કાટમાળ ગમે ત્યાં ફેંકી દેનારાની સામે કાર્યવાહી કરીને વસૂલ કરવામાં આવ્યો છે.