નોએડાના સેક્ટર ૧૦૭માં બંધ કારની અંદર મળી યુવક-યુવતીની લાશ

15 February, 2026 12:42 PM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

મોહબ્બતની ઉજવણીના દિવસે જ મોતને વહાલું કરી લીધું

નોએડાના સેક્ટર ૧૦૭માં આ કારમાંથી તેમના મૃતદેહ મળ્યા હતા.

વૅલેન્ટાઇન્સ ડેના દિવસે નોએડામાં એક કારની અંદર પ્રેમી-પ્રેમિકાનાં શબ મળી આવ્યાં હતાં. શનિવારે બપોરે દાદરી રોડ પર શંકાસ્પદ હાલતમાં એક કાર પડેલી હતી. આ વિસ્તારના લોકોને આની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તો કાર અંદરથી લૉક કરેલી હતી અને અંદર યુવક-યુવતીના માથામાં ગોળી લાગેલી હતી. યુવકના હાથમાં જ પિસ્તોલ પકડેલી હતી. મરનારો દિલ્હીમાં રહેતો સુમિત નામનો ૩૨ વર્ષનો યુવક હતો અને યુવતીની ઓળખ ૨૬ વર્ષની રેખા તરીકે થઈ હતી. રેખા નોએડાની રહેવાસી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને વચ્ચે લગભગ બારથી ૧૫ વર્ષથી પ્રેમસંબંધ હતો. જોકે બન્ને અલગ-અલગ જાતિના હોવાથી પરિવાર તેમનાં લગ્ન માટે તૈયાર નહોતો. છોકરાનો પરિવાર આખરે તૈયાર થયો હતો, પરંતુ રેખાના પરિવારજનો સહમત નહોતા. સુમિત રોજ રેખાને ઑફિસ છોડવા અને લેવા જતો હતો. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે તે દિલ્હીથી કાર લઈને નીકળ્યો હતો. એ પછી બન્ને સાથે જ હતાં. બન્નેના પરિવારજનોએ તેમના ખોવાયાની ફરિયાદ લખાવી હતી. 

કારમાં પોલીસને સુસાઇડ-નોટ મળી હતી જેમાં લખ્યું હતું કે ‘રેખા મારી સાથે લગ્ન નથી કરી રહી...’ આના પરથી પોલીસને પ્રેમને કારણે હત્યા અને આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે પહેલાં યુવકે યુવતીને ગોળી મારી અને પછી પોતાને પણ ગોળી મારી હશે, જ્યારે સુમિતના પરિવારજનોને રેખાના પરિવાર પર શંકા છે. તેમને આ ઘટનામાં પણ ષડ્યંત્ર હોવાની શંકા છે. 

national news india noida greater noida Crime News crime branch suicide sex and relationships