19 December, 2025 10:02 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અજય ગોદારા, રાકેશ મૌર્ય
રશિયા-યુક્રેન વૉર-ઝોનમાં મૃત્યુ પામનારા બે ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ બુધવારે દિલ્હી ઍરપોર્ટ પર આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનાથી લગભગ ૪ ભારતીયો રશિયાના યુદ્ધમાં માર્યા ગયા છે અને ૫૯ લોકો હજી મિસિંગ છે. બિકાનેરના અજય ગોદારા અને ઉત્તરાખંડના રાકેશ મૌર્યનું યુક્રેનના યુદ્ધમાં રહસ્યમય મૃત્યુ થયું હતું.
રાકેશ મૌર્ય પાંચ મહિના પહેલાં જ રશિયા ગયો હતો. છેલ્લે ૩૦ ઑગસ્ટે ૩૦ વર્ષના રાકેશ મૌર્યની તેના નાના ભાઈ સાથે વાતચીત થઈ ત્યારે રાકેશે કહ્યું હતું કે ‘રશિયન સેનાએ મારો પાસપોર્ટ અને દસ્તાવેજો છીનવી લીધા છે. મારો મોબાઇલ અને લૅપટૉપ પરથી તમામ સત્તાવાર ડેટા પણ ડિલીટ કરી દેવામાં આવ્યો છે. મારી પાસે રશિયન ભાષામાં લખેલા ડૉક્યુમેન્ટ્સ પર પરાણે સહી કરાવીને રશિયન સેનાની વરદી પહેરાવી દેવાઈ છે અને યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં મિલિટરી ટ્રેઇનિંગ માટે મને મોકલી દેવાયો હતો.’
પરિવારજનો સાથે થયેલી વાતચીતના થોડા જ દિવસોમાં રાકેશનું યુદ્ધમાં મૃત્યુ થયું હતું.
અજય ગોદારા ૨૦૨૪ની ૨૮ નવેમ્બરે સ્ટુડન્ટ-વીઝા પર એક ભાષાનો કોર્સ શીખવા માટે રશિયા ગયો હતો. તેના પરિવારજનોનું કહેવું છે કે ૧૦ મહિના સુધી તેણે અભ્યાસ કર્યો, પણ એ પછી તેને એક જૉબ આપવાનું વચન આપીને વૉર-ઝોનમાં મોકલી દેવામાં આવ્યો. ૨૦૨૫ની બાવીસમી સપ્ટેમ્બરે છેલ્લી વાર પરિવારજનોએ અજય સાથે વાત કરી હતી. એ પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. અજયના ભાઈ પ્રકાશનો આરોપ છે કે તેને પરાણે મિલિટરી ઍક્ટિવિટીમાં જોડીને વૉર-ઝોનમાં મોકલવામાં આવ્યો હતો.
બે મહિના પહેલાં અજયે બે વિડિયો રેકૉર્ડ કરીને પરિવાર અને ભારતીય અધિકારીઓને હેલ્પ કરવાની અપીલ કરી હતી. તેણે પોતાના જીવ પર જોખમ છે એવી ભીતિ પણ દર્શાવી હતી. ગઈ કાલે તેનો પાર્થિવ દેહ બિકાનેર પાસેના તેના ગામે પહોંચ્યો હતો.