પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો, બાબુલ સુપ્રિયો TMCમાં જોડાયા

18 September, 2021 05:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપના પૂર્વ મંત્રી અને આસનસોલથી સાંસદ બાબુલ સુપ્રિયો તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે.

બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા (તસવીરઃ પલ્લવ પાલીવાલ)

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. ભાજપના પૂર્વ મંત્રી અને આસનસોલથી સાંસદ બાબુલ સુપ્રિયો તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની હાજરીમાં બાબુલ સુપ્રિયો TMC માં સામેલ થયા છે.મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા સાંસદ બાબુલ સુપ્રિયોએ ટીએમસી જોઈન કરી લીધું છે. થોડા દિવસ પહેલાં જ બાબુલ સુપ્રિયોએ બીજેપીમાંથી રાજીનામું આપ્યું છે.

બાબુલ સુપ્રિયોના પાર્ટીમાં જોડાવા મામલે TMCએ કહ્યું કે, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ બાબુલ સુપ્રિયો ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. અમે પાર્ટીમાં તેમનું સ્વાગત કરીએ છીએ.

નોંધનીય છે કે જુલાઇ મહીનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળના ભાજપ નેતા બાબુલ સુપ્રિયોએ રાજનીતિને અલવિદા કહ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું હતું કે, ‘તેઓ રાજનીતિમાં માત્ર સમાજ સેવા માટે આવ્યાં હતાં. હવે તેઓએ પોતાનો રસ્તો બદલવાનો નિર્ણય કર્યો છે.’

national news trinamool congress bharatiya janata party