26 December, 2025 08:44 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
કાંસ્યની પ્રતિમા
રામનગરી અયોધ્યાનો સાઉથ કોરિયા સાથે પ્રગાઢ સંબંધ છે. રામનગરી અયોધ્યાની રાજકુમારી રહી ચૂકેલી દક્ષિણ કોરિયાની મહારાણી સૂરિ રત્નાની કાંસ્યની પ્રતિમા બનાવવામાં આવી છે. બુધવારે અયોધ્યામાં મહાપૌર મહંત ગિરીશ પતિ ત્રિપાઠીએ આ મૂર્તિનું અનાવરણ કર્યું હતું. ૧૨ ફુટની આ મૂર્તિનું વજન ૧.૨ ટન છે. આ પ્રતિમા કોરિયામાં તૈયાર કરવામાં આવી હતી અને સમુદ્ર માર્ગે ભારત લાવવામાં આવી હતી. આમ તો આ મૂર્તિનું અનાવરણ સાઉથ કોરિયાથી ભારત આવનારા પ્રતિનિધમંડળે કરવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે પ્રતિનિધિમંડળ અયોધ્યા પહોંચી ન શકતાં રામનગરીના મહંત ગિરીશ ત્રિપાઠીએ કર્યું હતું. ભારત અને સાઉથ કોરિયા ગણરાજ્ય વચ્ચે ૨૦૦૦ વર્ષથી વધુ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો સુદૃઢ કરવાનો આ અવસર હતો.
કોણ છે આ રાણી?
સાઉથ કોરિયાની ક્વીન હેઓ હાંગ-ઓક અયોધ્યાની રાજકુમારી હતી. એનું ભારતીય નામ હતું સૂરિ રત્ના. ૨૦૦૦ વર્ષ પહેલાં રાજકુમારી સૂરિ રત્ના દરિયાઈ માર્ગે સાઉથ કોરિયા ગયાં હતાં અને ત્યાંના રાજા સાથે વિવાહ કર્યા હતા. તેમની મૂર્તિ અયોધ્યામાં ક્વીન-હો-મેમોરિયલ પાર્કમાં મૂકવામાં આવી છે.