04 February, 2025 07:08 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સંસદ
આંકડો છુપાવવા પોસ્ટમૉર્ટમ વગર ૧૦-૧૫ હજાર રૂપિયા આપીને મૃતદેહ સ્વીકારવાનું દબાણ થતું હોવાનો આક્ષેપ
ગઈ કાલે સંસદમાં વિરોધી પક્ષોના સંસદસભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ૩૦ લોકોનાં મૃત્યુ થવા બાબતે સરકારનો જોરદાર વિરોધ કરીને સ્પીકર તરફ ધસી ગયા હતા. એક સંસદસભ્યે બૂમો પાડી હતી કે ‘કુંભ પે જવાબ દો.’ વિરોધી પક્ષોના સંસદસભ્યોએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના રાજીનામાની સાથે ભાગદોડમાં જીવ ગુમાવનારાઓનું લિસ્ટ જાહેર કરવાની માગણી કરી હતી. આ ઘટનામાં મૃતકોનો આંકડો સરકાર છુપાવી રહી હોવાનો આરોપ પણ તેમણે કર્યો હતો.
સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય રામ ગોપાલ યાદવે ઉત્તર પ્રદેશની સરકાર મહાકુંભમાં જઈ રહેલા સામાન્ય લોકોનું ધ્યાન ન આપતી હોવાનો આરોપ કરતાં કહ્યું હતું કે ‘મહાકુંભમાં ખૂબ મોટી ઘટના બની છે. VIPઓને મદદ કરવામાં આવે છે, પણ સામાન્ય લોકોની કોઈને પડી નથી. મહાકુંભમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. કેટલાકના મૃતદેહ ગંગામાં વહાવી દેવાયા તો કેટલાક નદીના કાંઠાની જમીનમાં દાટી દેવાયા છે. ભાગદોડમાં મૃત્યુ પામનારાનો આંકડો ૩૦થી ન વધે એ માટે મુખ્ય પ્રધાને અધિકારીઓને સૂચના આપી છે. આવું કરીને પરિવારોને અકલ્પનીય પીડા આપવામાં આવી રહી છે. આંકડો છુપાવવા ૧૦થી ૧૫ હજાર રૂપિયા પકડાવીને પોસ્ટમૉર્ટમ કર્યા વિના મૃતદેહ સ્વીકારવા માટે પરિવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે.’
મહાકુંભમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે : ખડગે
રાજ્યસભામાં ગઈ કાલે કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે એમ કહ્યું હતું. તેમના આ નિવેદનથી રાજ્યસભામાં હંગામો થઈ ગયો હતો. સ્પીકર જગદીપ ધનખડે આ નિવેદન પાછું લેવાનું કહ્યું હતું ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘કોઈને દોષી ઠેરવવા માટે હજારો નથી કહ્યું, પણ કેટલા લોકો મૃત્યુ પામ્યા છે એની સરકાર માહિતી તો આપે. જો હું ખોટો હોઉં તો માફી માગીશ. સરકારે કેટલા લોકોના જીવ ગયા છે અને કેટલા હજી મિસિંગ છે એના આંકડા આપવા જોઈએ.’
જયા બચ્ચનનો આક્ષેપ : નાસભાગ પછી લાશોને નદીમાં ફેંકવામાં આવી
દિલ્હીના સંસદભવન પરિસરમાં જયા બચ્ચને ગઈ કાલે મીડિયા સાથે વાત કરી હતી.
મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના વિશે ગઈ કાલે સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભાનાં સંસદસભ્ય જયા બચ્ચને દિલ્હીના સંસદભવન પરિસરમાં ઉત્તર પ્રદેશ સરકાર પર ગંભીર આરોપ કર્યો હતો. જયા બચ્ચને કહ્યું હતું કે ‘મહાકુંભમાં ભાગદોડ બાદ લાશોને નદીમાં ફેંકવામાં આવી હતી જેને લીધે નદીનું પાણી પ્રદૂષિત થયું છે. સૌથી વધારે દૂષિત પાણી અત્યારે મહાકુંભમાં જ છે. આ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યું. મૃતદેહ નદીમાં નાખી દેવાથી પ્રદૂષિત થયેલું પાણી લોકો સુધી પહોંચી રહ્યું છે. આ બાબતે ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. મૃતદેહોનાં પોસ્ટમૉર્ટમ કરવાને બદલે આ લોકોએ એને પાણીમાં ફેંકી દીધા હતા અને ભારતીય જનતા પાર્ટીવાળા જલશક્તિ પર ભાષણ આપી રહ્યા છે. એકસાથે અહીં કરોડો લોકો કેવી રીતે આવી શકે? આ લોકો ખોટું બોલી રહ્યા છે.’