29 December, 2025 09:40 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
વિજેતા ઉમેદવાર અભયસિંહ બારિયા.
મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં મહેશ્વર જિલ્લાપંચાયતના સભ્યની ચૂંટણીમાં વહીવટી બેદરકારીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કર્મચારીઓએ ભૂલથી એવા વૉર્ડમાં પેટાચૂંટણી યોજાઈ હતી જ્યાં ખાલી જગ્યા નહોતી.
મહેશ્વર જિલ્લાપંચાયતના વૉર્ડ ૭ના સભ્ય મોહન મકવાણેના મૃત્યુ બાદ ખાલી પડેલી એ બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હતી. જોકે પંચાયત ચૂંટણી શાખાના કર્મચારીઓએ બેદરકારી દાખવી હતી અને વૉર્ડ ૭ને બદલે વૉર્ડ ૯ ખાલી હોવાનો અહેવાલ તેમણે ૩૦ સપ્ટેમ્બરે મોકલ્યો હતો. જિલ્લા કચેરીએ કોઈ પણ ક્રૉસ-વેરિફિકેશન વિના વૉર્ડ ૯ માટે ૧૫ ડિસેમ્બરે પેટાચૂંટણીનું આયોજન કર્યું હતું.
ફક્ત એક જ ફૉર્મ ભરાયું
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ખૂબ પ્રયત્ન કર્યા અને બધાને સમજાવીને એક જ ઉમેદવાર અભય સિંહ બારિયાની પસંદગી કરી હતી. બારિયાએ એક ફૉર્મ સબમિટ કર્યું હતું અને બપોરે ૩ વાગ્યા સુધીમાં એક જ ફૉર્મ સબમિટ થયું હતું. ૩.૨૦ વાગ્યે બીજું ફૉર્મ સબમિટ કરવામાં આવ્યું, પરંતુ રિટર્નિંગ ઑફિસરે એને ફગાવી દીધું હતું અને કહ્યું કે સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. સમયમર્યાદા પહેલાં અન્ય કોઈ ફૉર્મ પ્રાપ્ત થયાં નહોતાં જેનાથી અભય બારિયાએ પોતાની નિર્વિરોધ જીત માની લીધી અને જીતની ઉજવણી કરી દીધી હતી, પરંતુ ૧૬ ડિસેમ્બરે પરિણામની જાહેરાત થાય એ પહેલાં ખબર પડી કે આખી ચૂંટણી ખોટા વૉર્ડમાં યોજાઈ હતી.
બે જણ થયા સસ્પેન્ડ
આ બેદરકારીને પગલે જિલ્લાપંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આકાશ સિંહે અભય સિંહ બારિયાની ચૂંટણી રદ કરી હતી અને બે અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.
વિજેતાનો સવાલ, મારો શું વાંક?
ફરીથી ચૂંટણી યોજવામાં આવી હોવાથી અભયસિંહ બારિયાએ જણાવ્યું હતું કે ‘મેં જે માહિતી ભરી હતી એ ફક્ત વૉર્ડ-નંબર ૭ માટે હતી અને રિટર્નિંગ ઑફિસર સહિત તમામ સ્ટાફે ફૉર્મ સબમિટ કરતાં પહેલાં સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. રસીદ પણ વૉર્ડ-નંબર ૭ માટે હતી. હું ચૂંટાયો હતો. મને બધાનો ટેકો મળ્યો. હવે ફરીથી ચૂંટણી સાથે મારે ફરીથી આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. હું ચૂંટણીપંચને અપીલ કરું છું કે હું બિનહરીફ ચૂંટાયો હોવાથી મને વિજેતા જાહેર કરવામાં આવે.’