29 October, 2026 10:25 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
બહુુમાન સ્વીકારતા કૅપ્ટન સ્મિત મચ્છર અને તેમના માથાના પાછળના ભાગમાં જોવા મળતા ટાંકા.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ૩૦ સપ્ટેમ્બરે અસાધારણ શૌર્ય દર્શાવનારા અને ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરનું યુનાઇટેડ આરબ એમિરેટ્સે (UAE) સન્માન કર્યું હતું. UAEના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને સ્મિત મચ્છરને ‘ફર્સ્ટ ક્લાસ ઑર્ડર ઑફ ઝાયેદ II’ એનાયત કર્યો હતો. જ્યારે કૅપ્ટન સ્મિત તેમના ઘાયલ હાથ પર બ્રેસ પહેરીને તેમના ક્રૂ સાથે સમારોહમાં પહોંચ્યા ત્યારે આ રિયલ હીરોના જુસ્સા અને સમર્પણને જોઈને દરેકની આંખો ગર્વ અને આદરથી ભરાઈ ગઈ હતી. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને કૅપ્ટન મચ્છરને ગળે પણ લગાવ્યા હતા. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ અને દુબઈ અને અબુ ધાબી એમિરેટ્સના શાહી પરિવારના સભ્યો પણ આ પ્રસંગે હાજર હતા. UAEના પ્રેસિડન્ટે કટોકટી દરમ્યાન મુસાફરોની સુરક્ષા અને વિમાનને સુરક્ષિત રાખવાના પ્રયાસો બદલ ક્રૂ-મેમ્બર્સને પણ ‘ફર્સ્ટ ક્લાસ ઑર્ડર ઑફ ઝાયેદ II’ એનાયત કર્યો હતો.
આૅર્ડર આૅફ ઝાયેદ II અવૉર્ડનું મહત્ત્વ શું છે?
‘ઑર્ડર ઑફ ઝાયેદ II’ એ UAEનું પ્રતિષ્ઠિત નાગરિક અને લશ્કરી સન્માન છે જે રાષ્ટ્ર અને સમાજ માટે અસાધારણ, સાહસિક અને ઉત્કૃષ્ટ યોગદાન આપનારી વ્યક્તિઓને આપવામાં આવે છે.