06 November, 2026 01:23 PM IST | Uttarkashi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ગંગોત્રી નૅશનલ હાઇવે પર ગંગનાની પાસે ભાગીરથી નદીમાં ખાબકેલી કાર અને એમાંથી મૃતદેહ કાઢીને લઈ જતા નૅશનલ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો.
સુરતથી ચારધામની યાત્રાએ ગયેલા પટેલ પરિવારની કારને ગઈ કાલે ઉત્તરકાશીમાં ગંગોત્રી નૅશનલ હાઇવે પર અકસ્માત થયો હતો. ઉત્તરાખંડમાંથી જ ભાડે લીધેલી ઇનોવા કાર અંદાજે ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડ્યા બાદ ભાગીરથી નદીમાં ખાબકતાં કારમાં સવાર એક જ પરિવારના ૩ સભ્યો સહિત ૪ લોકોનાં મોત થયાં હતાં.
સુરતમાં રહેતા અશોક પટેલ ૩૧ ઑક્ટોબરે પોતાનાં પત્ની અને પુત્ર તેમ જ પુત્રી સાથે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. તેમની કાર ગંગોત્રી નૅશનલ હાઇવે પરથી પસાર થઈ રહી હતી એ સમયે કેદારનાથ જતાં કાર પર જાણે કે કાળચક્ર ફરી વળ્યું હતું. આ કાર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. કારમાં બેઠેલા અશોક પટેલ, તેમનાં પત્ની સુધા પટેલ અને પુત્રી રુતિકાનું મોત થયું હતું, જ્યારે પુત્ર વેદાંતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારમાં કુલ ૭ લોકો બેઠા હતા જેમાંથી ડ્રાઇવરનું મોત થયું છે, જ્યારે અમદાવાદનાં કિરણ પટેલ સહિત બે વ્યક્તિ લાપતા છે જેની શોધખોળ સ્થાનિક પ્રશાસન કરી રહ્યું હતું.