26 May, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
NEET-UG પેપર-લીક કેસની આરોપી મનીષા હવાલદારને દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવી હતી.
આખા દેશમાં હાહાકાર મચાવનારા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક કાંડમાં મોટો ખુલાસો થયો છે. નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની
પૅનલમાં રહેલી ફિઝિક્સની પ્રોફેસર મનીષા હવાલદારની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી અનેક ગુપ્ત માહિતી CBIને મળી છે, જેમાં મનીષાના ફોનમાં ‘GOD’ના નામે કોનો ફોન-નંબર હતો એનો ખુલાસો થયો છે.
તેજસ શાહ નામના વિદ્યાર્થીનો નંબર GOD નામથી રાખેલો હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીએ પેપર અન્ય લોકો સાથે શૅર કર્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે ટ્રુકૉલર ઍપમાં આ નંબર તેજસ શાહ તરીકે સેવ થયેલો બતાવે છે, પણ ખરેખર આ નંબર કોનો છે અને તે કેવી રીતે કેસ સાથે સંકળાયેલો છે વગેરે વિગતો જાણવા માટે પોલીસે આ તરફ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે બાવીસ તારીખે સદાશિવ પેઠમાં મનીષા હવાલદારના નિવાસસ્થાને રેઇડ પાડીને તેનો મોબાઇલ, લૅપટૉપ અને હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવ્યાં હતાં અને એમાંથી NEET-UGના પેપરની કૉપી પણ મળી આવી હતી.
NEET-UGની પરીક્ષા કૅન્સલ થવાથી લાતુરની વિદ્યાર્થિનીએ વૃક્ષ પર લટકીને જીવન ટૂંકાવ્યું
નૅશનલ એલિજિબિલિટી ઍન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની એક્ઝામ પેપર-લીકને કારણે રદ થતાં લાતુરની એક વિદ્યાર્થિનીએ પોતાના જ ખેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. NEET-UGની પરીક્ષાને કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું આત્મહત્યા કરનારી સ્ટુડન્ટ મૈથિલીના પપ્પા અશોક સોનાવણીનું કહેવું છે. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મૈથિલીના પપ્પાએ પોલીસને આપેલા નિવેદન મુજબ ત્રીજી મેએ મૈથિલીએ NEET-UGની પરીક્ષા આપી હતી, પરંતુ એ કૅન્સલ થઈ જતાં તે માનસિક રીતે ખૂબ તાણ અનુભવી રહી હતી.
NEET-UGના પેપર-લીક મુદ્દે NTAનો ઊધડો લઈને સર્વોચ્ચ અદાલતે કહ્યું... ભૂતકાળની ભૂલોમાંથી હજી કંઈ નથી શીખ્યા?
સોમવારે સુપ્રીમ કોર્ટે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નો ઊધડો લીધો હતો અને નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ને ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખીને સુધારો ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. આ પહેલાં પણ કોર્ટ દ્વારા પેપર-લીકના મુદ્દે વારંવાર નિર્દેશો આપવામાં આવ્યા હતા. કોર્ટે એક કમિટીની નિમણૂક કરી હોવા છતાં કોઈ સુધારા ન થયા હોવાને કારણે નારાજ થયેલી સુપ્રીમ કોર્ટની પૅનલે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુ:ખની વાત છે કે તેઓ ભૂતકાળની ભૂલોમાંથી હજી પણ શીખ્યા નથી અને સુધારો નથી કર્યો. સુપ્રીમ કોર્ટે NTAને કોર્ટે નીમેલી મૉનિટરિંગ કમિટીના નિર્દેશોનું પાલન થઈ રહ્યું છે કે નહીં એ વિશે ઍફિડેવિટ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો. ૧૪ નવેમ્બરે નીમેલી મૉનિટરિંગ કમિટી બાબતે શું પગલાં લેવામાં આવ્યાં છે એ વિશે ઍફિડેવિટ એટલે કે સોગંદનામું દાખલ કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.