25 June, 2026 03:47 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
ચેતન ચૌધરી CCTVમાં કેદ થયો હતો અને સિયા ગોયલની પૂછપરછ થઈ
પુણે સ્થિત રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના મૃત્યુ કેસમાં નવા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સિયા ગોયલ કથિત રીતે કેતન અગ્રવાલ સાથે તેની સગાઈ અને લગ્ન પ્લાનિંગના સંબંધને આગળ વધારવા માગતી ન હતી. જોકે, તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેતન અગ્રવાલ રિલેશન શરૂ રાખવા અને લગ્નની તૈયારીઓ માટે કહેતો હતો. પૂછપરછ દરમિયાન, સિયા ગોયલે પુણે ગ્રામીણ પોલીસને જણાવ્યું હતું કે તેણે કેતનને જાણ કરી હતી કે તે રિલેશનમાં રહેવા માગતી નથી અને તેની સાથે લગ્ન પણ કરવા માગતી નથી. આ છતાં, તપાસમાં જાણવા મળ્યું કે કેતન અગ્રવાલ સંબંધ જાળવી રાખવાના પોતાના પ્રયાસોમાં અડગ રહ્યો અને લગ્નની તૈયારીઓ માટે પ્રતિબદ્ધ હતો.
તપાસકર્તાઓના મતે આ ઘટના પાછળનો સંભવિત હેતુ સિયા ગોયલના ચેતન ચૌધરી નામના વ્યક્તિ સાથેના સંબંધ અને કેતન અગ્રવાલ સાથેના પ્રસ્તાવિત લગ્ન અંગેની તેની અનિચ્છા સાથે જોડાયેલો હોઈ શકે છે. જોકે, પોલીસ આ પાસાની આગળ સંપૂર્ણ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાંથી આ કેસમાં એક મહત્તવપૂર્ણ સંકેત બહાર આવ્યો છે. તપાસ અધિકારીઓએ કિલ્લા નજીકના કૅમેરામાંથી ફૂટેજમાં એક વ્યક્તિને જોયો હતો જેણે તીવ્ર ગરમી છતાં હૂડી જૅકેટ પહેર્યું હતું; આ વ્યક્તિ ઘટના બન્યાના થોડા સમય પહેલા કેતન અગ્રવાલ અને સિયા ગોયલનો પીછો કરતો જોવા મળ્યો હતો. આ શંકાસ્પદ પ્રવૃત્તિએ પોલીસને શંકા જગાવી. બાદમાં, સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા તસવીરોનું વિશ્લેષણ કર્યા પછી, પોલીસ તે વ્યક્તિની ઓળખ ચેતન ચૌધરી તરીકે કરી. પોલીસ હવે કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે, અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કેસમાં લોહગઢ કિલ્લાના એક કર્મચારીનું નિવેદન પણ સામે આવ્યું છે. કર્મચારીએ દાવો કર્યો હતો કે જ્યારે સિયા ગોયલને જાણ કરવામાં આવી કે કેતન અગ્રવાલ ખીણમાં પડ્યા પછી પણ જીવતો છે, ત્યારે તે શાંત થવાને બદલે વધુ ડરી ગઈ હતી. કિલ્લા પર તહેનાત પોલીસ અધિકારી રાહુલે જણાવ્યું હતું કે 18 જૂનના રોજ બનેલી ઘટના બાદ સિયા ગોયલની ચીસો સાંભળીને અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 20 વર્ષીય સિયા ગોયલે જણાવ્યું કે કેતન અગ્રવાલ તસવીરો ક્લિક કરતી વખતે પથ્થર પરથી પડી ગયો હતો. રાહુલના જણાવ્યા મુજબ, સિયા ગોયલ તે સમયે ઉશ્કેરાયેલી દેખાતી હતી પરંતુ તેનામાં આંસુ પણ નહોતા. આ વિગતો તપાસનો ભાગ બની ગઈ છે, અને પોલીસ વિવિધ નિવેદનોની તપાસ કરી રહી છે.