ઝારખંડના ધનબાદમાં ગુંડાની જામીન અરજી ફગાવનાર જજની નિર્મમ હત્યા

30 July, 2021 09:29 AM IST  |  Dhanbad | Gujarati Mid-day Correspondent

સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે રસ્તો ખાલી હોવા છતાં રિક્ષાની ટક્કર મારી હતી, રિક્ષા-ડ્રાઇવર સહિત એકની ધરપકડ

સીસીટીવી ફુટેજ (ડાબે), સેશન્સ જજ ઉત્તમ આનંદ (જમણે)

ઝારખંડમાં ધનબાદ શહેરના ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ઉત્તમ આનંદને ટક્કર મારીને તેમનું મોત નીપજાવનારી રિક્ષા ગિરિડીહથી જપ્ત કરવામાં આવી છે. રિક્ષા-ડ્રાઇવર તથા અન્ય એકની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી લખન વર્મા અને રાહુલ વર્માને પૂછપરછ કરાઈ રહી છે. હાલના તબક્કે તપાસમાં પોલીસ આ પચીસ વર્ષના ડિસ્ટ્રિક્ટ જજનું મોત દુર્ઘટના છે કે પૂર્વયોજિત કાવતરું છે એ નક્કી કરવાનો પ્રયત્ન કરે છે.

ગઈ કાલે હઝારીબાગમાં જજ ઉત્તમ આનંદના અંતિમ સંસ્કાર ચાલતા હતા ત્યારે બીજી બાજુ તેમના મૃત્યુની ઘટના સંદર્ભે વરિષ્ઠ પોલીસ અમલદારોની બેઠક યોજાઈ હતી. ઝારખંડના આરોગ્ય પ્રધાન અને ધનબાદ જિલ્લાના પાલક પ્રધાન બન્ના ગુપ્તાએ બુધવારે જ ધનબાદના કલેક્ટર અને સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો.

બુધવારે સવારે ઉત્તમ આનંદ ગૉલ્ફ ગ્રાઉન્ડમાં મૉર્નિંગ વૉક કરીને હીરાપુર બિજલી હાઉસ પાસે તેમના ઘરે પાછા જતા હતા ત્યારે રણધીર વર્મા ચોક પાસે દારૂના નશામાં ચકચૂર લખન અને રાહુલે તેમને રિક્ષાની ટક્કર મારી હતી. એનું સીસીટીવી ફુટેજ જોયા પછી પોલીસને રિક્ષા-ડ્રાઇવરના ઇરાદા પર શંકા ઊપજી હતી,  કારણ કે રસ્તો સાવ ખાલી હતો તેમ જ જજ રસ્તાની ડાબી બાજુએ ચાલી રહ્યા હતા. જજના પોસ્ટ મૉર્ટમ માટે મેડિકલ બોર્ડ રચવામાં આવ્યું હતું. જજનાં પત્ની કૃતિ સિંહાએ એફઆઇઆરમાં હત્યાનો આરોપ મૂક્યો હતો.

સીસીટીવીના વિડિયો ફુટેજમાં રિક્ષાની વચ્ચેની સીટ પર બેઠેલા માણસે રિક્ષાચાલકના સહકારથી જજ ઉત્તમ આનંદના માથા પર પ્રહાર કર્યો હોવાનો આરોપ ફરિયાદી કૃતિ ​સિંહાએ મૂક્યો હતો. રંજય સિંહ હત્યા કેસ સહિત કેટલાક કેસોની ઉત્તમ આનંદ તપાસ કરતા હતા. રંજય સિંહ હત્યા કેસમાં કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય પૂર્ણિમા સિંહ સહિત કેટલાંક મોટાં માથાં સંડોવાયાં હોવાનું કહેવાય છે.  

national news jharkhand