✕

સરકાર મહિલા અનામત અને સીમાંકન બિલ પસાર કરાવવા લોકસભાનું વિશેષ સત્ર બોલાવશે

17 October, 2026 12:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તૃણમૂલ કૉન્ગ્રેસ અને ઉદ્ધવસેનાના બળવાખોર સંસદસભ્યોના સમર્થન પછી સરકારનું સંખ્યાબળ વધતાં અટવાયેલાં બંધારણીય બિલ પાસ કરાવવા નવી રણનીતિ

ફાઈલ તસવીર

વિપક્ષના ભારે વિરોધ વચ્ચે હવે કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલ પસાર કરાવવા માટે લોકસભાનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીમાં છે. ટોચનાં સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ બંધારણીય બિલ પસાર કરવા માટે જરૂરી સંખ્યાબળ અત્યારે શાસક પક્ષ પાસે છે. અગાઉ એપ્રિલમાં બજેટસત્ર દરમ્યાન સરકારને આ બિલ વિશે લોકસભામાં મોટો ફટકો પડ્યો હતો, પરંતુ હવે રાજકીય સ્થિતિ બદલાઈ ચૂકી છે. 
તૃણમૂલ કૉન્ગ્રેસના ૨૦ અને ઉદ્ધવસેનાના ૬ સંસદસભ્યો શાસક પક્ષમાં જોડાતાં સરકારનું સંખ્યાબળ મજબૂત બન્યું છે. આ ઉપરાંત કૉન્ગ્રેસ સાથે છેડો ફાડનારી દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) અને અન્ય નાના વિપક્ષો સાથે પણ બિલના સમર્થન માટે બેઠકો ચાલી રહી છે. લોકસભામાં બહુમતી સાબિત કરવા માટે અંદાજે ૩૬૦ સીટો જરૂરી છે. લોકસભાનું ચોમાસુ સત્ર ૧૩ ઑગસ્ટે સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ એને સત્તાવાર રીતે પૂરું જાહેર કરાયું નથી જેથી આ વિશેષ બેઠક ગમે ત્યારે બોલાવી શકાય એમ છે. 
આગામી ૨૬ અને ૨૭ ઑક્ટોબરે નવી દિલ્હીમાં BRICS પાર્લમેન્ટરી ફોરમ યોજાવાની છે તેથી એને ધ્યાનમાં રાખીને માત્ર એક અઠવાડિયાની શૉર્ટ નોટિસ પર સંસદનું આ ખાસ સત્ર બોલાવવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. જો આ બન્ને બિલ પસાર થશે તો મહિલા અનામત કાયમ માટે લાગુ થઈ જશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં સીમાંકનની અટવાયેલી પ્રક્રિયા પણ સરળતાથી આગળ વધારી શકાશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

indian government national news Lok Sabha parliament trinamool congress narendra modi