03 May, 2026 08:11 AM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
ચંદ્રોદય મંદિર
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં દેશનું સૌથી મોટું, ભવ્ય અને સૌથી ઊંચું ચંદ્રોદય મંદિર લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ મહિનાના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનું ઉદ્ઘાટન કરે એવી અપેક્ષા છે. મંદિર-મૅનેજમેન્ટે વડા પ્રધાનને આમંત્રણ મોકલ્યું છે. ઉદ્ઘાટન માટેની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. આ મંદિર દિલ્હીના કુતુબમિનાર કરતાં ત્રણ ગણું ઊંચું હશે.
તત્કાલીન મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ૨૦૧૪ની ૮ માર્ચે વૃંદાવન-છતિકારા રોડ પર અક્ષયપાત્ર સંકુલમાં મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ૨૦૧૪ની ૧૬ નવેમ્બરે મંદિરની આધારશિલા રાખી હતી. ઇસ્કૉન બૅન્ગલોર દ્વારા આશરે ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે એનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ૭૦ માળનું આ મંદિર લગભગ ૧૨ વર્ષમાં પૂર્ણ થવાનું છે. વડા પ્રધાન મોદીની મુલાકાતની અપેક્ષાએ મંદિરમાં વ્યાપક તૈયારીઓ તેજ થઈ ગઈ છે.
બુર્જ ખલીફા કરતાં ઊંડો પાયો
મંદિરની ઊંચાઈ ૨૧૦ મીટર હોવાથી એના પાયા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પાયો આશરે પંચાવન મીટર ઊંડો છે અને ૧૨ મીટર ઊંચો છે. દુબઈના વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગ બુર્જ ખલીફાના પાયાની ઊંડાઈ ૫૦ મીટર છે. આમ બુર્જ ખલીફા કરતાં પણ એનો પાયો ઊંડો છે.
ટેલિસ્કોપથી તાજમહલ જોઈ શકાશે
આ ગગનચુંબી મંદિરની ઊંચાઈનો અંદાજ એ વાતને ધ્યાનમાં રાખીને લગાવી શકાય છે કે આગરામાં આવેલો તાજમહલ મંદિરની ટોચ પર મૂકવામાં આવેલા ટેલિસ્કોપ દ્વારા જોઈ શકાશે. તાજમહલ મંદિરથી ૮૦ કિલોમીટર દૂર છે. મંદિરના પહેલા ત્રણ માળ પર ચૈતન્ય મહાપ્રભુ, રાધા-કૃષ્ણ અને બલરામને સમર્પિત મંદિરો છે.
નાગરશૈલીનું આધુનિક મંદિર
દ્રવિડ, નાગર અને આધુનિક શૈલીમાં બનેલા આ મંદિરમાં ફોર ડાયમેન્શન (4D) ટેક્નૉલૉજી દ્વારા સ્વર્ગ અને દેવલીલાઓનાં પણ દર્શન કરી શકાશે. મંદિરની આસપાસ કુદરતી વન જેવું વાતાવરણ સર્જવામાં આવ્યું છે. યમુના નદીની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવશે જેમાં બોટિંગ જેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.