26 June, 2026 07:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT) દ્વારા પહેલી વાર નવમા ધોરણના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ૧૯૭૫ની કટોકટીના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશરે પાંચ દાયકા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા આ નિર્ણય અંતર્ગત નવી જાહેર થયેલી બુક ‘અન્ડરસ્ટૅન્ડિંગ સોસાયટી : ઇન્ડિયા ઍન્ડ બિયૉન્ડ’માં કટોકટીને ભારતીય લોકશાહી સામેના સૌથી પડકારજનક તબક્કા તરીકે દર્શાવવામાં આવી છે. દેશમાં તાજેતરમાં જ ૧૯૭૫ની કટોકટીનાં ૫૦ વર્ષ પૂરાં થવા પર એને યાદ કરવામાં આવ્યા બાદ આ ફેરફાર અમલી બન્યો છે. એનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને દેશના રાજકીય ઇતિહાસ અને મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમોથી વાકેફ કરવાનો છે.
શું લખાયું છે કટોકટી વિશે?
પુસ્તકમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે ૧૯૭૫થી ૧૯૭૭ દરમ્યાન તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર સામે મોંઘવારી, બેરોજગારી અને વહીવટી ખામીઓને કારણે વ્યાપક અસંતોષ હતો. એને પગલે દેશના અનેક ભાગોમાં મોટા પાયે વિરોધ-પ્રદર્શનો થયાં હતાં અને નાગરિકોના મોટા ભાગના મૌલિક અધિકારો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહાર અને ગુજરાતમાં થયેલાં વિદ્યાર્થી આંદોલનો અને ત્યાર બાદ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીમાં તત્કાલીન સત્તાધારી પક્ષની હાર દ્વારા સ્થાપિત થયેલી જનતાના જનાદેશની તાકાતને સમજાવવામાં આવી છે.
ડેમોક્રસી ઍન્ડ યુ
આ ઉપરાંત પુસ્તકમાં પહેલી વાર ‘ડેમોક્રસી ઍન્ડ યુ’ નામનો નવો વિભાગ ઉમેરીને વિદ્યાર્થીઓને નાગરિક-ફરજોની સમજ અપાઈ છે. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની ભૂમિકાની
સાથે-સાથે વર્તમાન સમયનાં મોટાં જોખમો જેવાં કે ફેક ન્યુઝ, ખોટી માહિતી, પ્રાદેશિકતા, ગરીબી, સામાજિક ભેદભાવ અને લિંગ અસમાનતા જેવા ગંભીર વિષયો પર પણ વિશેષ પ્રકરણો જોડવામાં આવ્યાં છે.