૮ કરોડ જૂનાં ટૂ-વ્હીલર્સને E20 પેટ્રોલથી ખતરો

19 August, 2026 07:12 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને ખુદ આ ચિંતા જતાવી

પ્રતીકાત્મક તસવીર

E20 પેટ્રોલ વાહનોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને એનાથી જૂનાં ટૂ-વ્હીલર્સ માટે E10 પેટ્રોલનું વેચાણ ફરી શરૂ કરવું જોઈએ. 

ભારતે સમય પહેલાં પેટ્રોલમાં એથનૉલ મિક્સ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરીને અબજો રૂપિયા બચાવ્યા છે. સરકારનો દાવો છે કે પેટ્રોલમાં એથનૉલ ભેળવવાથી કાચા તેલની આયાત ઘટી છે, જેના કારણે અબજો રૂપિયાની બચત થઈ છે.

જોકે આર્ટિકલમાં વી. અનંત નાગેશ્વરને લખ્યું છે કે ‘એથનૉલની વધતી માગણીને પહોંચી વળવા માટે શેરડી, મકાઈ અને ચોખા જેવા ખાદ્ય પાકોનો મોટો જથ્થો એથનૉલ ફૅક્ટરીઓમાં મોકલવામાં આવી રહ્યો છે. જો એથનૉલ કંપનીઓ ઊંચા ભાવે મકાઈ ખરીદવાનું શરૂ કરશે તો મરઘાં અને ડેરી ઉદ્યોગો માટેનો ખોરાક વધુ મોંઘો થશે. પરિણામે, ઈંડાં, ચિકન અને દૂધના ભાવ વધશે જે સીધા ખાદ્ય ફુગાવામાં ફાળો આપશે.’

વી. અનંત નાગેશ્વરનના મતે હાલમાં દેશમાં અંદાજે ૮ કરોડ જૂનાં બાઇક અને સ્કૂટર કાર્યરત છે. આ વાહનો BS-IV એન્જિન નિયમો લાગુ થયા પહેલાં ઉત્પાદિત જૂની કાર્બ્યુરેટર ટેક્નૉલૉજી પર ચાલે છે.

સરકાર હવે ૨૦ ટકા એથનૉલ મિશ્રિત પેટ્રોલ વેચી રહી છે. જોકે જૂના કાર્બ્યુરેટરવાળાં વાહનો આ E20 પેટ્રોલ પર યોગ્ય રીતે ચાલી શકતાં નથી.
એથનૉલમાં વધુ ઑક્સિજન હોય છે. જૂનાં વાહનો હવા અને પેટ્રોલના આ નવા મિશ્રણને સમાયોજિત કરી શકતા નથી, જેના કારણે એન્જિન વધુ ઝડપથી ગરમ થાય છે. E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વાહનોની અંદર રબર પાઇપ અને પાર્ટ્સને ધીમે-ધીમે કાટ લાગી શકે છે અથવા બગડી શકે છે. વી. અનંત નાગેશ્વરનું કહેવું છે કે જ્યાં સુધી આ ૮ કરોડ જૂનાં વાહનોમાં ફેરફાર ન થાય ત્યાં સુધી પેટ્રોલ પમ્પોએ જૂના E10 પેટ્રોલનું વેચાણ ચાલુ રાખવું જોઈએ, આનાથી જૂના વાહનો બગડતા અટકશે.
આ સિવાય મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું હતું કે આપણે ફક્ત એથનૉલ ફૅક્ટરીઓ દ્વારા વપરાતા પાણીને જ નહીં, શેરડી ઉગાડવા માટે વપરાતા અબજો લીટર ભૂગર્ભજળને પણ ધ્યાનમાં લેવું જોઈએ; જે પાણીનો ઉપયોગ અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થઈ શકતો હતો એને વાહનના ઈંધણના ઉત્પાદન માટે વાળવામાં આવી રહ્યું છે.

national news india petroleum indian government automobiles