23 November, 2025 11:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ
ન્યાયાધીશો પરંપરાગત રીતે પોતાના ચુકાદાઓ પર જાહેરમાં ટિપ્પણી કરવાનું ટાળે છે, પરંતુ શુક્રવારે ભારતના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ આ ધોરણથી આગળ વધીને ‘બુલડોઝર ન્યાય’ વિરુદ્ધના તેમના ચુકાદાને સૌથી મહત્ત્વપૂર્ણ તરીકે પસંદ કર્યો હતો. રાજ્યોને નોકરીમાં અનામત માટે શેડ્યુલ્ડ કાસ્ટ (SC) અને શેડ્યુલ્ડ ટ્રાઇબ (ST)ને પેટા વર્ગીકરણ કરવાની મંજૂરી આપતા ચુકાદાને પણ તેમણે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશન (SCBA)ના વિદાય સમારંભમાં ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે હું આમ કરી શકું છું, કારણ કે મેં ચુકાદા પૂરા કરી દીધા છે અને રવિવારે નિવૃત્ત થઈ રહ્યો છું, મારી પાસે કોઈ ન્યાયિક કાર્ય નથી.
પોતાના વિદાયસમારંભમાં પ્રવચન કરતાં બી. આર. ગવઈએ કહ્યું હતું કે ‘જો મને પૂછવામાં આવે કે મેં કયો મહત્ત્વનો ચુકાદો લખ્યો છે તો એ ચોક્કસપણે ‘બુલડોઝર ન્યાય’ વિરુદ્ધનો ચુકાદો હશે. આ નિર્ણય કાયદાના શાસનની વિરુદ્ધ હતો. કોઈ વ્યક્તિનું ઘર ફક્ત એટલા માટે કેવી રીતે તોડી શકાય કારણ કે તે ગુનાનો આરોપી અથવા દોષી છે. પરિવાર અને માતા-પિતાનો શું વાંક છે. જીવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે.’
શું છે ‘બુલડોઝર ન્યાય’?
નવેમ્બર ૨૦૨૪માં ચીફ જસ્ટિસ બી. આર. ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં ‘બુલડોઝર ન્યાય’ના નવા વલણ સામે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લોકોનાં ઘરોને બુલડોઝરથી તોડી પાડવાં એ ગેરબંધારણીય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો સરકાર કોઈ વ્યક્તિના ઘરને ફક્ત તેના પરના આરોપને કારણે તોડી પાડે છે તો એ કાયદાના શાસનની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો હતો કે કોઈ પણ કાર્યવાહીમાં કાયદા, નાગરિકોના અધિકારો અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવું આવશ્યક છે. ચીફ જસ્ટિસે ‘બુલડોઝર ન્યાય’ વિરુદ્ધના ચુકાદાને વિદેશમાં પણ ટાંક્યો હતો.