દેહરાદૂનમાં વાદળ ફાટ્યું, સહસ્રધારામાં ભારે તબાહીઃ ૧૫ લોકોનાં મૃત્યુ, ૪૦૦ને રેસ્ક્યુ કરવામાં આવ્યા

17 September, 2025 09:15 AM IST  |  Himachal Pradesh | Gujarati Mid-day Correspondent

ગુવાહાટીમાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર કમરસમાણાં પાણી ભરાઈ ગયાં હતાં

ધસમસતા પાણીના પ્રવાહને કારણે મેઇન માર્કેટમાં હોટેલોને ભારે નુકસાન થયું હતું.

દેહરાદૂનમાં સોમવારે સાંજથી ચાલુ થયેલા અવિરત વરસાદ અને વહેલી સવારે વાદળ ફાટવાને કારણે ચારે તરફ તારાજી સર્જાઈ હતી. દેહરાદૂનની આસપાસની નદીઓમાં પૂર આવતાં આસપાસના લગભગ ૩૦ રોડ તૂટી ગયા હતા. ત્રણ પુલોને નુકસાન થયું હતું એને કારણે કેટલાંય ગામો અને વિસ્તારો વિખૂટાં પડી ગયાં હતાં. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે ‘મંગળવારે દેહરાદૂન, ટિહરી અને ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી પારાવાર નુકસાન થયું છે. આ બહુ જ મોટી આપદા છે અને જાનમાલની પણ હાનિ થઈ છે. વીજળીની લાઇનો નષ્ટ થઈ ગઈ હોવાથી અંધકાર છવાયો છે અને નાના રસ્તાઓ ઉપરાંત નૅશનલ હાઇવે પણ પ્રભાવિત હોવાથી રાહત અને બચાવકાર્ય પણ મુશ્કેલ થઈ રહ્યું છે.’

નદીના વિકરાળ સ્વરૂપમાં પુલ પણ તૂટીને વહી ગયો હતો. 

સામાન્ય રીતે રેસ્ક્યુ માટે વપરાતું અર્થમૂવર પણ નદીના કાદવમાં દટાઈ ગયું હતું. 

દેહરાદૂનમાં વરસાદના પ્રલયમાં ઘરો અને દુકાનો કાટમાળ તળે દબાઈ ગયાં હતાં. 

દેહરાદૂનમાં તમસા નદીમાં પાણી બેફામ વહી રહ્યું છે એને કારણે ટપકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થઈ ગયું હતું. સવારે પાંચ વાગ્યે નદીનો પ્રવાહ વધી ગયો હતો અને મંદિર પોણાભાગનું જળમગ્ન થઈ ગયું હતું. સહસ્રધારા પાસે વાદળ ફાટવાથી પૂરવેગે પાણીના પ્રવાહ સાથે તણાઈ આવેલા કાટમાળે ચારે તરફ તબાહી ફેલાવી હતી. ઘરો અને ગાડીઓ જ નહીં, કાટમાળ કાઢવા માટેનાં અર્થમૂવરો પણ કાટમાળમાં દટાઈ ગયાં હતાં. એવામાં મંગળવારે બપોરે સહસ્રધારાના ઉપરના વિસ્તારનું ઝરણું ફાટ્યું હોવાની અફવાએ અફરાતફરી મચી ગઈ હતી.

મંડીમાં ધર્મપુર બસ-સ્ટેશન ડૂબી ગયું, ૧૮ બસ તણાઈ ગઈ

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ધર્મપુર બજાર પાસે રાતે એક વાગ્યે જોરદાર વરસાદ પડતાં સોનખડુ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એમાં નાનાં વાહનો તો તણાઈ જ ગયાં હતાં, પરંતુ બસ-સ્ટેશન પર ઊભેલી ૧૮ બસ પણ તણાવા લાગી હતી. બસ-સ્ટૅન્ડનો પહેલો માળ પાણીમાં ગરક થઈ ગયો હતો. લોકોએ બસ-સ્ટૅન્ડના ઉપરના માળે આશરો લીધો હતો. એક હૉસ્ટેલમાં ફસાયેલા ૧૫૦ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. શિમલામાં ઠેર-ઠેર ભૂસ્ખલન થતાં ૧૧ ગાડીઓ દબાઈ ગઈ હતી. મંડી અને શિમલામાં કુલ ૧૦૦થી વધુ પ્રાઇવેટ અને સરકારી વાહનો પૂરમાં ડૅમેજ થઈ ગયાં હતાં. 

નૉર્થ-ઈસ્ટ ભારતમાં પણ વરસાદી તોફાન

ગુવાહાટીમાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર કમરસમાણાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણીની વચ્ચે ભગવાન વિશ્વકર્માની વેચાવા મુકાયેલી મૂર્તિઓ પણ પાણીમાં ડૂબી ગયેલી.

ઇમ્ફાલમાં અતિભારે વર્ષાને કારણે સ્થાનિક નદીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગામોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને લગભગ ૩૮૦૦ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. 

મંડીમાં ધર્મપુર બસ-સ્ટેશન ડૂબી ગયું, ૧૮ બસ તણાઈ ગઈ

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ધર્મપુર બજાર પાસે રાતે એક વાગ્યે જોરદાર વરસાદ પડતાં સોનખડુ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એમાં નાનાં વાહનો તો તણાઈ જ ગયાં હતાં, પરંતુ બસ-સ્ટેશન પર ઊભેલી ૧૮ બસ પણ તણાવા લાગી હતી. બસ-સ્ટૅન્ડનો પહેલો માળ પાણીમાં ગરક થઈ ગયો હતો. લોકોએ બસ-સ્ટૅન્ડના ઉપરના માળે આશરો લીધો હતો. એક હૉસ્ટેલમાં ફસાયેલા ૧૫૦ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. શિમલામાં ઠેર-ઠેર ભૂસ્ખલન થતાં ૧૧ ગાડીઓ દબાઈ ગઈ હતી. મંડી અને શિમલામાં કુલ ૧૦૦થી વધુ પ્રાઇવેટ અને સરકારી વાહનો પૂરમાં ડૅમેજ થઈ ગયાં હતાં. 

national news india dehradun himachal pradesh guwahati monsoon news indian meteorological department imphal mandi shimla