31 August, 2025 09:38 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
રામબન જિલ્લામાં ભારે પૂરને લીધે પાંચ લોકો તણાઈ ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના રિયાસી અને રામબન જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી ભારે તબાહી મચી હતી, જેમાં એક જ પરિવારના ૭ સભ્યો સહિત ઓછામાં ઓછા ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રિયાસી જિલ્લામાં રાતે ૩૮ વર્ષના નઝીર અહમદના ઘર પર ભૂસ્ખલન થતાં ઘર તૂટી પડ્યું હતું જેમાં અહમદ, તેની પત્ની અને પાંચથી ૧૩ વર્ષની વયનાં તેમનાં પાંચ સંતાનોનાં મૃત્યુ થયાં હતાં. બચાવટીમોએ કાદવ અને કાટમાળના ઢગલા નીચેથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.
રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી અચાનક ભારે પૂર આવ્યું હતું અને ભૂસ્ખલન થતાં પાંચ લોકો તણાઈ ગયા હતા. પૂરગ્રસ્ત રાજગ્રહ ગામમાં અનેક ઘરમકાનોને નુકસાન થયું હતું. બચાવ-કામગીરી દરમ્યાન આ વિસ્તારમાંથી ૪ મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાઓ સહિત તાજેતરના અઠવાડિયામાં આ પ્રદેશમાં ભારે હવામાન પરિસ્થિતિઓને કારણે 160થી વધુ લોકોનાં મોત થયાં છે, જેમાં ઘણા યાત્રાળુઓ છે.
માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું છે. જમ્મુના કટરા અને દેશના બાકીના ભાગો વચ્ચે ટ્રેનસેવાઓ પાંચમા દિવસે પણ સ્થગિત છે, જ્યારે મહત્ત્વપૂર્ણ શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય નૅશનલ હાઇવે અનેક સ્થળોએ વ્યાપક વિનાશને કારણે બંધ છે. આ હાઇવે ક્યારે ખૂલશે એ જાણકારી મળી નથી.