23 June, 2026 10:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી કૅન્ડલ-શ્રદ્ધાંજલિ.
નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક વિવાદ અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે રાજધાની દિલ્હીના જંતરમંતર ખાતે કૉક્રૉચ જનતા પાર્ટીનું અનિશ્ચિત મુદતનું આંદોલન સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા પક્ષના સ્થાપક અભિજિત દીપકેએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી શિક્ષણપ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ આંદોલન સમાપ્ત નહીં થાય.
આ વિરોધ-પ્રદર્શનની શરૂઆત ૨૦ જૂને દિલ્હી પોલીસની સત્તાવાર મંજૂરી સાથે થઈ હતી. જોકે પ્રથમ દિવસે સમયસીમા પૂરી થયા પછી પણ પ્રદર્શનકારીઓ ત્યાંથી હટ્યા નહોતા. અભિજિત દીપકેએ આક્ષેપ કર્યો હતો કે દબાણ લાવવા માટે રાત્રે ધરણાસ્થળનો વીજળી અને પાણીપુરવઠો રોકી દેવાયો હતો. એમ છતાં પ્રદર્શનકારીઓ લંગર અને સ્વયંસેવકોના ભરોસે ત્યાં જ રહ્યા હતા. ૨૧ જૂને NEET-UGની ફરી લેવાયેલી પરીક્ષાના દિવસે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા પૂરી થતાં જ સીધા જંતરમંતર પહોંચવાની અપીલ કરવામાં આવી હતી.
ગઈ કાલે ત્રીજા દિવસે સુરક્ષાવ્યવસ્થા ચુસ્ત કરીને અંદર આવતા લોકોનાં ઓળખપત્રોની સઘન તપાસ શરૂ કરવામાં આવતાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. અભિજિત દીપકેએ કટાક્ષ કર્યો હતો કે ‘શું હવે દેશના નાગરિકોને પોતાનો અવાજ ઉઠાવવા માટે જંતરમંતર પર વીઝા લઈને આવવું પડશે?’ NEET વિવાદના માનસિક તનાવને કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની યાદમાં મોડી સાંજે મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી.