21 May, 2026 03:07 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ચીફ જસ્ટિસ સૂર્યકાંતના એક નિવેદન પરથી જન્મેલા કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party) નામના એક્સ એકાઉન્ટને લઈને મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. તેનું એક્સ એકાઉન્ટ બૅન કરી દેવાયું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન દેશના બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરી હતી. આ નિવેદન બાદ જબરદસ્ત વિવાદ પણ ફાટી નીકળ્યો હતો. જોકે ચીફ જસ્ટિસે ત્યારબાદ સ્પષ્ટતા પણ આપી જ હતી. પરંતુ કેટલાક યુવાઓએ આ નિવેદનનો એટલો વિરોધ કર્યો કે એ વિરોધમાં સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી જ ઊભી કરવામાં આવી. જોકે, માત્ર મજાક ખાતર ઊભી થયેલ આ પાર્ટીના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ પણ બની ગયા હતા. કોકરોચ જનતા પાર્ટીનું પેજ ગુરુવારે જ ફોલોઅર્સની દ્રષ્ટિએ ભાજપને પણ પછાડીને આગળ વધી ગયું હતું. આ નવા પેજને ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ મળી ગયા હતા. જ્યારે ભાજપના પેજ પર તો માત્ર 87 લાખ ફોલોઅર્સ જ છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈન્ડિયામાં આ પ્રકારના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
હવે કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ના ફાઉન્ડર અભિજીત દિપકેએ એક્સ એકાઉન્ટ બંધ કરવામાં આવતાં રોષ વ્યક્ત કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને રોષ ઠાલવતાં કહ્યું કે, "જેનો ડર હતો તે જ થયું. પહેલા તેઓએ અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો, પણ એ ન કરી શક્યા એટલે હવે તેઓએ તેના પર સીધો પ્રતિબંધ જ મૂકી દીધો. અમારા એક્સનું સત્તાવાર એકાઉન્ટ અત્યારે ઈન્ડિયામાં નથી દેખાઈ રહ્યું. હું ઇચ્છું છું કે તમે તમારો અવાજ ઉઠાવો કે શા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તેમાં એવું તો શું લખેલું હતું? આપણે માત્ર સરકાર પાસે આપણા હકો જ માંગયા હતા. એમાં કંઈ ખોટું થોડું કર્યું છે. અને બદલામાં તેઓએ અમારું એકાઉન્ટ જ ડિએક્ટિવેટ કરી દીધું. આ ક્યાંની લોકશાહી છે? હું ઈચ્છું છું કે તમે બધા જ તેમને આ સવાલ કરો."
કોકરોચ જનતા પાર્ટીનું એક્સ એકાઉન્ટ બૅન થયા પછી અભિજીતે Cockroach is Back નામનું નવું પેજ ઊભું કરી દીધું છે અને ઠેકડી ઉડાડતા લખ્યું છે કે - શું તમને એમ લાગ્યું કે અમારાથી છૂટકારો મેળવી શકશો? હાહાહા
કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ની સ્થાપના કરનાર અભિજીત દીપકે આમ આદમી પાર્ટી (આપ)નો ભૂતપૂર્વ સામાજિક કાર્યકર છે. અભિજીત બોસ્ટન યુનિવર્સિટીમાં 30 વર્ષીય જનસંપર્કના વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છે. અને તેણે 2020થી 2023 સુધી AAPના ભૂતપૂર્વ સોશિયલ મીડિયા વૉલંટિયર તરીકે પણ કામ કર્યું છે. બોસ્ટન જતા પહેલાની અભિજીત દિપકેની એક પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો તેને મળીને તક બદલ આભાર માન્યો હતો. આ જ અભિજિતે કોકરોચ જનતા પાર્ટી (CJP) નામનું એક વ્યંગાત્મક પોલિટિકલ ગ્રુપ છે ગયા અઠવાડિયે ઊભું કર્યું હતું. આ ગ્રૂપ (Cockroach Janata Party)નું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું ત્યાં સુધીમાં તો 6 લાખથી પણ વધુ ફોલોયર્સ બનાવી લીધા હતા. સીજેપીના એક્સ હેન્ડલ પર 165.5 K ફોલોઅર્સ હતા. જ્યારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 12.6 મિલિયન ફોલોઅર્સ સાથે સક્રિય હતું. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ભારતના બેરોજગાર યુવાઓને `કોકરોચ` સાથે સરખાવ્યા પછી વ્યંગ તરીકે શરૂ થયેલું આ પ્લેટફોર્મ ચપટીભરમાં તો ફેમસ થઈ ગયું હતું.